ભિવંડીમાં મકાન હોનારતમાં છોકરીનું મરણ, કેટલાકને બચાવી લેવાયા

ભિવંડી (થાણે) – મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં ત્રણ માળનું એક રહેણાંક મકાન આજે સવારે જમીનદોસ્ત થતાં 18 વર્ષની એક છોકરીનું મૃત્યુ નિપજ્યું છે.

તાહિર દીજનોર નામનું મકાન આજે સવારે સવા ૯ વાગ્યે તૂટી પડ્યું હતું. આ મકાન ભિવંડીમાં કે.જી. નગર, નવી બસ્તી વિસ્તારમાં આવેલું હતું.

મૃતકને વૃક્ષા એહમદ ખાન તરીકે ઓળખી કાઢવામાં આવી છે.

મકાન હોનારતની જાણ થતાં જ પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કાટમાળ નીચેથી પાંચ જણને ઉગારવામાં તેઓ સફળ થયા હતા. આઠ જેટલા લોકો કાટમાળ હેઠળ ફસાયા હોવાનું મનાય છે.

ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળવાળું મકાન માત્ર સાત વર્ષ જૂનું હતું. મકાનના જોખમી ઈમારતોની યાદીમાં સામેલ હતું કે નહીં એની તપાસ ચાલુ છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે મકાન ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે ભિવંડીમાં છેલ્લા અમુક વર્ષોમાં અનેક મકાન દુર્ઘટનાઓ થઈ છે.

ગયા વર્ષે ચોમાસા દરમિયાન ચાર મકાન હોનારત થઈ હતી. શહેરમાં અનેક ગેરકાયદેસર મકાનો છે.