ખેડૂત અને આદિવાસી મતદાતાનો રોષ ભારે પડશે

ગાંધીનગર– વિધાનસભાની આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન નહીં આપી રાષ્ટ્રીય મુદ્દાઓનો પ્રચાર કરશે તો મોટું નુકશાન ભોગવવાની પક્ષે તૈયારી રાખવી પડશે. આ વખતની ચૂંટણીમાં દરેક માન્ય પક્ષોએ પોતે કરેલા કાર્યો ધ્યાનમાં રાખી સ્થાનિક મુદ્દાઓને ચોક્કસ ધ્યાનમાં લેવા પડશે અને પ્રજાને પોતાના વિસ્તારમાં સ્થાનિક મુદ્દાઓ સંદર્ભે તકેદારી રાખવી પડશે આમ સ્થાનિક મુદ્દાઓને મહત્વ આપવું પડશે જો આમાં નિષ્ફ્ળતા મળશે તો નાના મોટા રાજકીય નુકશાનનો ભોગ બનવું પડશે.
આગામી ચૂંટણીમાં રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આમ ચાર ઝોનમાં જુદા જુદા કારણો સ્થાનિક બાબતોને ખૂબ જ ગંભીરતાથી લેવા પડશે. ઉત્તર ગુજરાતમાં આવેલા પૂર બાદ રાજ્ય સરકારના મુખ્યપ્રધાન પોતે સતત એક સપ્તાહ સુધી આ વિસ્તારમાં રોકાણ કરી પ્રજાની મદદ કરવામાં તનતોડ મહેનત કરી અને મોટા મોટા પેકેજોની જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાતના નાણાં અસરકર્તા લોકો સુધી પહોંચ્યા નહીં પરિણામે રોષની લાગણી ઉભી થવા પામી છે. અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં આ લાગણીનો રોષ મતપત્રોમાં કેવો પડે છે તે જોવાનું રહ્યું.
રાજ્યમાં ખેડૂતોને ટેકાના ભાવો જેવા કે મગફળી, કપાસ વગેરે પૂરતા પ્રમાણમાં ન મળ્યા હોવાથી તેમજ કૃષિ પેદાશોને પૂરતી સુવિધા ન મળવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ઉપરાંત સિંચાઇના પાણી અને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો નહીં મળતા પાકને થયેલ નુકશાન અંગે પણ ખેડૂતોમા નારાજગી મોટા પાયે દેખાઈ રહી છે. આમ આ ખેડૂતો હવે આગામી ચૂંટણીમાં પોતાના હૃદયની વાત કેવી રીતે દર્શાવે છે તે મહત્વનું બની રહેશે.
મધ્ય ગુજરાતમાં આપણે જોઈએ તો ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં શાળા, કોલેજો, આરોગ્ય સુવિધા, સિંચાઈંના પાણી, વીજળી, રસ્તા વગેરે મુદ્દાઓ આ વિસ્તારને સ્પર્શે છે. ભૂતકાળમાં આ આદિવાસી વિસ્તારમાં મુખ્યત્વે કોંગ્રેસ પાસે રહ્યો છે. આ પ્રજા આ વખતની ચૂંટણીમાં પોતાના ન્યાય માટે કેવી રીતે મતદાન કરે તે એક મહત્વની બાબત બની રહેશે.