મુંબઈઃ બાળક કારની નીચે આવી ગયો, પણ ઈશ્વરીય ચમત્કારથી બચી ગયો

મુંબઈ – અહીંના ઘાટકોપર ઉપનગરમાં બનેલી એક ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. તે ઘટનામાં એક બાળક ધસમસતી કારની નીચે આવી ગયો હતો, પણ આબાદ રીતે ઉગરી ગયો હતો.

તે છોકરો એના મિત્રોની સાથે રસ્તા પર ફૂટબોલ રમતો હતો. ત્યારે એક મહિલા દ્વારા ચલાવાતી કારની નીચે એ આવી ગયો હતો. પરંતુ અમુક સેકંડ બાદ જ એ છોકરો ઊભો થઈ ગયો હતો અને એવી રીતે ચાલતો ગયો હતો જાણે કંઈ બન્યું જ નથી.

તે ઘટનાનું સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડિયા પર વાયરલ થયું છે.

વિડિયોમાં બે છોકરાને ફૂટબોલ રમતા જોઈ શકાય છે જ્યારે એક મહિલા એની મારુતિ વેગનRમાં બેસવા જઈ રહી છે. એક છોકરો ફૂટબોલ રમવાનું ચાલુ રાખે છે જ્યારે બીજો છોકરો રસ્તાની એક બાજુએ બેસી જાય છે અને એના શૂઝની દોરી બાંધે છે. મહિલા એની કારને રીવર્સમાં લઈને આગળ ચલાવે છે અને રસ્તા પર બેઠેલા બાળક તરફ વાળે છે. કાર પેલા છોકરાની ઉપર ફરી વળે છે, પણ મહિલાને એની કંઈ ખબર જ નથી.

માનવામાં ન આવે એ રીતે, લાલ રંગનું ટી-શર્ટ પહેરેલો બાળક તે બાળક કારની નીચે આવી ગયો છતાં ઊભો થઈને એના મિત્રોની ભેગો ફરી રમવા મંડી જાય છે.

આ ફૂટેજ 24 સપ્ટેંબરનું અને સાંજે આશરે સાત વાગ્યાનું છે. તે સીસીટીવી કેમેરા ઘાટકોપરના કામરાજ નગરની એક હાઉસિંગ સોસાયટીમાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. તે કાર કદમાં ઊંચી હોવાને કારણે બાળક એની નીચે આવી ગયો હોવા છતાં કચડાઈ ગયો નહોતો અને બચી જવા પામ્યો હતો.

આ વિડિયો સોશિયલ મિડિયા પર ફરતો થયા બાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે આ ઘટનામાં વાંક મહિલા ડ્રાઈવરનો કહેવાય કે પછી બાળકનાં માબાપનો વાંક કહેવાય, જેમણે બેદરકારી દાખવીને એને રસ્તા પર રમવા દીધો હતો.