મહારાષ્ટ્રમાં ગ્રામીણ છોકરીઓને 12મા ધોરણ સુધી એસ.ટી. બસમાં મફત પ્રવાસની સુવિધા

મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતી અને શાળાકીય શિક્ષણ મેળવતી છોકરીઓ માટે આજે મહત્ત્વની સવલતની જાહેરાત કરી છે. આ છોકરીઓને 12મા ધોરણ સુધી રાજ્ય એસ.ટી. બસોમાં મફત પ્રવાસ કરવા મળશે.

મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન મંડળ દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રવાસ સવલત યોજનામાં વધુ સુધારા કરવામાં આવ્યા છે, તેમજ અમુક નવી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અત્યાર સુધી આ સવલત 10મા ધોરણ સુધી શિક્ષણ મેળવતી છોકરીઓને આપવામાં આવતી હતી.

એક અન્ય નિર્ણયમાં, 65 વર્ષથી વધુની વયના વરિષ્ઠ નાગરિકોને શિવશાહી બસમાં પ્રવાસ કરવા મળશે.

પત્રકારોને એરકન્ડિશન્ડ શિવશાહી બસમાં મફત પ્રવાસ કરવા મળશે.

આ સવલતોનો લાભ રાજ્યમાં આશરે 2 કરોડ 18 લાખ લોકો લેશે.