મુંબઈઃ ચેપી કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર આવે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે ત્યારે એનો સામનો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) તંત્ર સજ્જ થઈ ગયું છે. જુદી જુદી હોસ્પિટલો અને જમ્બો સેન્ટરો તતા કોરોના સારવાર કેન્દ્રોમાં પથારીઓની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્રીજી લહેરમાં નાના બાળકોને ચેપ લાગવાનું જોખમ હોવાની સંભાવના વ્યક્ત કરાઈ હોવાથી હોસ્પિટલો તથા જમ્બો સેન્ટરોમાં નાના બાળકો માટે અલગ વિભાગ તૈયાર કરવામાં આવ્યા છે.
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરને કાબૂમાં રાખવા માટે મુંબઈ પાલિકાતંત્ર પૂર્વતૈયારીઓ રૂપે 4 જમ્બો કોરોના કેન્દ્ર તૈયાર કરાવી રહ્યું છે, એમ મહાપાલિકાના અતિરિક્ત કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું છે. કાકાણીએ વિવિધ હોસ્પિટલો અને જમ્બો કોવિડ સેન્ટરોમાં જઈને ત્યાંની પૂર્વતૈયારીઓનું જાતનિરીક્ષણ કર્યું હતું. આ કોરોના જમ્બો સેન્ટરો ભાયખળા, મહાલક્ષ્મી, મલાડ, કાંજૂરમાર્ગ ઉપનગરોમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યાં વધુ 5,500 પથારીઓ ઉપલબ્ધ કરાશે. આમાંના 70 ટકા ઓક્સિજન બેડ હશે.
(તસવીર પ્રતીકાત્મક છે)