મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની વિરોધપક્ષોની માગણી

મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે કરેલા ભ્રષ્ટાચાર અને ખંડણી-વસૂલના કામ માટે પોલીસતંત્ર પર કરાતા દબાણના આરોપને પગલે રાજકારણમાં જોરદાર ગરમાટો ફેલાઈ ગયો છે. એમણે પોતાનો આરોપ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કર્યો છે. મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી ઉપરાંત રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, વંચિત બહુજન આઘાડી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીઓએ આ પ્રકરણમાં વિસ્તૃત તપાસ કરવાની માગણી કરી છે. ભાજપ અને તેના સહયોગી આરપીઆઈએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી છે.

ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી છે. ભાજપના નેતા અને સંસદસભ્ય નારાયણ રાણેએ માગણી કરી છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપે. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું છે કે અમે રાજ્યપાલ (ભગતસિંગ કોશ્યારી)ને મળીશું અને એમને કહીશું કે તેઓ મહારાષ્ટ્રમાંની પરિસ્થિતિની જાણ રાષ્ટ્રપતિને કરે. રાષ્ટ્રપતિ શાસનની માગણી આરપીઆઈના રામદાસ આઠવલે અને વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકરે કરી છે.