સાબરકાંઠાની હોસ્ટેલમાં 39 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસ ચિંતા ઉપજાવનારા છે. અત્યાર સુધી શહેરોમાં કોરોનાનો કેર વધી રહ્યો હતો. હવે નાનાં નગરો અને ગામડાઓમાં પણ કોરોના પ્રસરી રહ્યો છે. સાબરકાંઠાના સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં એકસાથે 39 વિદ્યાર્થીઓ અને એક રક્તપિતથી પીડિત મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સહયોગ કૃષ્ઠ રોગ ટ્રસ્ટના 20 વિદ્યાર્થિની અને 19 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. આટલા બધા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું છે પ્રાથમિક શિક્ષણ વિભાગે સ્કૂલ બંધ રાખવા આદેશ કર્યો છે.

આ પહેલાં બે દિવસ અગાઉ હોસ્ટેલના વોર્ડનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી અમે વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં 39 વિદ્યાર્થીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા, એમ સહયોગ ટ્રસ્ટના કોર્ડિનેટર સુરેશ સોનીએ જણાવ્યું હતું.

સહયોગ કૃષ્ઠ યજ્ઞની ટ્રસ્ટની શાળામાં જે ૩૯ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે વિદ્યાર્થીઓ ધોરણ છથી ૧૦માં અભ્યાસ કરી રહ્યા છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ અરવલ્લી જિલ્લાના ગઢડા ગામના છાત્રાલયમાં પણ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. 

હોસ્ટેલમાંથી 292 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી, એમ સાબરકાંઠા મેડિકલ ઓફિસર ચિરાગ મોદીએ કહ્યું હતું. આ વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગનામાં કોરોનાના લક્ષણો જણાતાં નહોતા અને તેમનાં માતાપિતા તેમને ઘેર લઈ ગયાં છે. જોકે તેમાંથી કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ મોદીએ ઉમેર્યું હતું. અત્યાર સુધીમાં સાબરકાંઠામાં 3281 કોરોનાના કેસો નોંધાયા છે અને એમાંથી 3191 લોકોએ કોરોનાને માત આપી છે.