CM-તીરથસિંહે ફરી એક વાર વિવાદિત નિવેદન કર્યું

દહેરાદૂનઃ ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે વિવાદિત નિવેદનોને લીધે ચર્ચામાં છે ફાટેલા જીન્સના નિવેદન પછી હવે તેમનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે જે ગરીબ પરિવાર કોરોના કાળમાં રેશનના અનાજ માટે પરેશાન હતો, તેમણે કેન્દ્ર સરકાર દ્વારા વહેંચવામાં આવેલું રાશન વધુ જોઈતું હોય તો તેમણે 20 બાળકો પેદા કરવા જોઈએ.

રાજ્યના રામનગરમાં એક કાર્યક્રમમાં તીરથસિંહ રાવતે કહ્યું હતું કે પ્રતિ ઘર પાંચ કિલો રાશન આપવામાં આવ્યું છે, જેમને ઘરે 10 સભ્યો છે, તેમને 50 કિલો, 20 સભ્યો હતા તેમને તો ક્વિન્ટલ રાશન આપવામાં આવ્યું છે. જેથી કેટલાકને ઇર્ષા થવા લાગી કે બે સભ્યોના પરિવારને 10 કિલો અને 20 સભ્યોવાળાને ક્વિન્ટલ અનાજ મળ્યું. આમાં ઇર્ષા કેવી? જ્યારે સમય હતો ત્યારે તમે બે બાળકો જ કેમ પેદા કર્યા, 20 બાળકો પેદા કેમ નહીં કર્યાં?

ભારતમાં કોરોનાને લીધે લાગેલા લોકડાઉન દરમ્યાન કેન્દ્ર સરકારે કરોડો લોકોને પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાશનની વહેંચણી કરી હતી. સરકારે પ્રત્યેક ઘરે પ્રતિ વ્યક્તિના કિસાબે પાંચ કિલો અનાજ અને એક કિલો દાળ આપી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન રાવતે એ પણ કહ્યું હતું કે અમેરિકાએ ભારતને 200 વર્ષ સુધી ગુલામ બનાવીને રાખ્યું હતું. આ પહેલાં તીરથસિંહ રાવતે મહિલાઓના પહેરવેશને લઈને વિવાદિત નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મહિલાઓની ફાટેલી જીન્સ જોઈને અચરજ થાય છે. તેમના આ નિવેદનની તીખી આલોચના થઈ હતી. જોકે પછી તેમણે આ મુદ્દે માફી માગી હતી.