કોરોનાના સૌથી વધુ 46,951ના નવા કેસ, 212નાં મોત 

નવી દિલ્હીઃ કોરાના વાઇરસ રોગચાળાની બીજી લહેરે સંપૂર્ણ દેશને ચપેટમાં લીધો છે. પાછલા 24 કલાકમાં વર્ષ 2021ના સૌથી વધુ કેસો નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 46,951 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે છેલ્લા 24 કલાકમાં 212 લોકોનાં મોત થયાં છે. આ પહેલાં સાત નવેમ્બર. 2020એ કોરોનાના વધુ કેસ નોંધાયા હતા, ત્યારે 50,356 કેસ નોંધાયા હતા. જ્યારે નવ જાન્યુઆરીએ 228 લોકોનાં કોરોનાને લીધે મોત થયાં હતાં. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,16,46,081 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,59,967 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,11,51,468  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 21,180 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,34,646 પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 30,535, પંજાબમાં 2644, કેરળમાં 1875 અને ગુજરાતમાં 1580 કેસ કોરોનાના કેસ નોંધાયા છે.

 દેશમાં 4.50 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 4,50,65,998 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 4,62,157 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.