કોરોના રિટર્ન્સઃ અનેક રાજ્યોમાં નિયમ-પાલનમાં સખ્તાઈ

નવી દિલ્હીઃ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી જતાં સરકારી તંત્રોમાં ચિંતા ફેલાઈ છે. અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રોગચાળાનો ફેલાવો રોકવા માટે ઘડાયેલા નિયમોના પાલનમાં સખ્તાઈ અને સતર્કતા વધારી દેવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોના મુખ્ય શહેરોમાં પહેલેથી જ લાગુ કરાયેલા નાઈટ-કર્ફ્યૂ જેવા નિયંત્રણોને વધારે કડક બનાવી દેવામાં આવ્યા છે. અમુક શહેરોમાં પૂર્ણ લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું છે તો ઘણા શહેરોમાં માત્ર રાતનો કર્ફ્યૂ મૂકાયો છે. ગુજરાત અને ઓડિશામાં આગામી હોળી-ધૂળેટી તહેવાર નિમિત્તે સાર્વજનિક સમારોહના આયોજન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ગોવામાં રેસ્ટોરન્ટ્સ, હોટલ્સ કે મનોરંજનના ક્ષેત્ર માટે નિયમ-પાલન કડક બનાવી દેવામાં આવ્યું છે. લોકોને જણાવાયું છે કે જો કોઈ રેસ્ટોરન્ટ, કેફે, હોટલ કે મનોરંજન ક્ષેત્ર નિયમનું ઉલ્લંઘન કરે તો ઈમેલ કરીને રાજ્ય સરકારને સૂચના આપવી. સરકાર આવશ્યક કાર્યવાહી કરશે. મધ્ય પ્રદેશમાં ઈન્દોર, ભોપાલ, જબલપુરમાં ગઈ કાલે આખો દિવસ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને આજે સવારે 6 વાગ્યા સુધી અમલમાં હતું. ગ્વાલિયર, ઉજજૈન, રતલામ, છિંદવાડા, બુરહાનપુર, બૈતુલ, ખરગોન શહેરોમાં ગયા બુધવારથી લોકડાઉન લાગુ કરાયું છે. ગુજરાતના સુરત શહેરમાં કોરોના સંક્રમણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. તેથી આજથી રોજ 25 હજાર ટેસ્ટિંગ કરાશે. ચેપગ્રસ્ત લોકોને શોધીને ક્વોરન્ટીન કરાશે. છત્તીસગઢમાં તમામ શાળા-કોલેજોને વધુ આદેશ ન મળે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના નાગપુરમાં લોકડાઉનને 31 માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યું છે.

(તસવીર સૌજન્યઃ પીઆરઓ જેએસ ભોપાલ)