‘બિહાઈન્ડ ધ યુનિફોર્મ’: મહિલા પોલીસકર્મીની રસપ્રદ કથા

મુંબઈઃ ‘બિહાઈન્ડ ધ યુનિફોર્મ’ પુસ્તક એક સીઆરપીએફ ઓફિસર અને બીજા ક્રિમિનલ સાઈકોલોજીસ્ટના સહિયારા પ્રયાસથી લખાયેલું છે. આ પુસ્તક કંઇક અલગ અનુભવમાંથી પસાર કરાવે એવું છે. સ્વયં એક પોલીસ અધિકારીએ લખેલા આ પુસ્તકમાં એવી ઘણી વાતો છે જેના વિશે આપણને ઘણી ખબર નહીં હોય.

આશુતોષ ગીતા દ્વારા આ પુસ્તકની સમીક્ષા કરવામાં આવી છે. એમનું કહેવું છે, ‘પ્રમાણિકતાથી કહું તો, મેં એક પૂર્વગ્રહ સાથે આ પુસ્તક વાંચવાની શરૂઆત કરી હતી. અને ઝાઝા રસ વિના પાનાઓ વચ્ચેની સફર શરૂ થઈ. યુનિફોર્મ શું છે, તે જે શરીર પર પહેરાયો છે તે કોણ, કેવું, ક્યાં કયારે હોઈ શકે, એ બધી બાબતો પરથી ધીરે-ધીરે જાણે પડદો ઉઘડતો ગયો. મામુ, ઠુલ્લા કે ખાખીધારી જેવા અપમાન જનક વિશેષણો સાથે આપણે જેમને બોલાવતા હોઈએ છીએ, તેમનાં વિશેની માત્ર ઈમેજ મારા માનસપટ પર બદલાઈ ગઈ એમ નહીં કહું. અનેક એવી વાતો, સંજોગો, પરિસ્થતિઓ વગેરે વિશે જાણવા મળ્યું કે જે ક્યારેય મારી કલ્પનામાં સુધ્ધાં નહોતું આવ્યું.

કોઈ સ્ત્રી ઓફિસર કેવા કેવા સંજોગો વચ્ચે જીવતાં રહી ડ્યુટી કરતી હોય છે, કોઈ ઓફિસર કેવા કેવા માનસિક તાણાવાણામાંથી પસાર થતો હોય છે. આ બધી જ બાબતોનું આલેખન એક નહીં, બે જણની નજરે વાંચવા જાણવા મળે છે. એક ઓફિસર તરીકે પણ અને એક સાઈકોલોજીસ્ટ તરીકે પણ. એવું નહીં સમજતા કે, માત્ર સમસ્યાઓ કે વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપી સહાનુભૂતિ મેળવવાનો આ પુસ્તક દ્વારા પ્રયાસ થયો હશે કે નથી માત્ર પોલીસની નોકરીના ગુણગાન ગવાયા છે.

આ પુસ્તક સમસ્યાનો સામનો કરવાની કળા શીખવે છે. સરળ રીતે એમ કહી શકાય કે, આ પુસ્તક વાંચ્યા બાદ પોલીસકર્મીને જોવાની, સમજવાની, જાણવાની દ્રષ્ટિ બદલાઇ શકે છે. કોઈ પોલીસકર્મી માત્ર પોલીસકર્મી નથી હોતો તે એક સામાજિક વ્યક્તિ પણ છે, એક પારિવારિક વ્યક્તિ પણ છે, તે એવી વ્યક્તિ પણ છે જેણે વિભિન્ન સંજોગોમાં મહત્વના નિર્ણયો પણ લેવા પડે છે. આ પુસ્તક તમે વાંચતા હો ત્યારે તમે માત્ર પોલીસકર્મી કે તેમની પરિસ્થિતિઓને જ નથી જાણતા. તમે મળો છો સમાજને, મળો છો સિક્કાની બીજી બાજુને. રાકેશકુમાર સિંહ અને શુભાંગી સિંહ આ પુસ્તકનાં સર્જક છે.