શું વિદેશી કરન્સી બજારમાં ડોલરનું વર્ચસ ઘટાડી શકશે રૂપિયો?

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય કરન્સી માર્કેટમાં વર્ષોથી ડોલરની દાદાગીરી રહી છે. વૈશ્વિક બજારોમાં અમેરિકી ડોલરની સર્વસ્વીકૃતિ રહી છે, પણ હવે વિદેશી કરન્સી બજારમાં ભારતીય રૂપિયો માથું ઊંચકી રહ્યો છે, જેથી આવનારા સમયમાં એ જોવું રસપ્રદ રહેશે કે વૈશ્વિક કરન્સી બજારમાં રૂપિયો કેટલું કાઠું કાઢી શકે છે. ભારતની આ નીતિનો ઉદ્દેશ વિદેશી કરન્સી માર્કેટમાં ડોલરની માગ ઘટાડવાનો છે, જેથી સ્થાનિક અર્થતંત્રને વૈશ્વિક ઊથલપાથલથી બચાવી શકાય.

15 જુલાઈએ વડા પ્રધાન મોદીની સંયુક્ત આરબ અમીરાતની યાત્રા દરમ્યાન બંને દેશોની વચ્ચે રૂપિયા અને દિરહામમાં વેપાર કરવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશોની વચ્ચે એક સ્થાનિક કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે. એની મદદથી બંને દેશોના નિકાસકારો અને આયાતકારો વેપાર માટે પોતપોતાના દેશોની કરન્સીમાં ચુકવણી કરી શકશે. બંને દેશોની લેવડદેવડનો ખર્ચ ઓછો થશે અને સમય પણ ઓછો લાગશે. અપેક્ષા છે કે આ વ્યવસ્થાથી ભારત UAEથી ક્રૂડ ઓઇલ અને અન્ય ઉત્પાદનો રૂપિયામાં ખરીદી શકશે. અત્યાર સુધી આ લેવડદેવડ અમેરિકી ડોલરમાં થતી હતી. આમ ડોલર પરની નિર્ભરતામાં ધીમે-ધીમે ખાસ્સો ઘટાડો થશે.

આ મહિને ભારત અને બંગલાદેશની વચ્ચે રૂપિયામાં વેપાર શરૂ થયો છે. રશિયાની સાથે રૂપિયામાં વેપાર કરવાના પ્રયાસ કેટલાય મહિનાઓથી ચાલી રહ્યા છે. આ સાથે ભારત, શ્રીલંકા અને કેટલાક આફ્રિકી દેશો અને ખાડીના કેટલાક દેશોની સાથે પ્રકારની સંધિ કરવા પર ચર્ચા કરી રહ્યા છે.