મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં આવેલી પ્રતિષ્ઠિત લક્ઝરિયસ તાજમહલ પેલેસ હોટેલના છ કર્મચારીઓને કોરોના થયો છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોટેલના છ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ગભરાટ ફેલાઈ ગયો છે. આ તમામની હાલત બોમ્બે હોસ્પિટલમાં સ્થિર હોવાનું કહેવાય છે.
હોસ્પિટલના કન્સલ્ટન્ટ સર્જન ડો. ગૌતમ ભણસાલીએ ઈન્ડિયા ટુડે ટીવીને કહ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા તાજમહલ પેલેસ હોટેલના કર્મચારીઓની હાલત સ્થિર છે. એમની સારવાર ચાલુ છે.
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના આરોગ્ય વિભાગના ડેપ્યૂટી ડાયરેક્ટર ડો. દક્ષા શાહે તાજ હોટેલના 3 કર્મચારીઓને કોરોના થયો હોવાના સમર્થન આપ્યું હતું.
જોકે માહિતગાર સૂત્રોનું કહેવું છે કે, તાજ હોટેલના 4 કર્મચારીને ગઈ 8 એપ્રિલે અને બીજા બે કર્મચારીને 11 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નામ જાહેર ન કરવાની શરતે એક પોલીસ અધિકારીએ કહ્યું કે હોટેલના હાઉસકીપિંગ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક નિવેદનમાં, હોટેલની પિતૃ કંપની ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (આઈએચસી)એ કહ્યું કે જેમનો કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે એવા કર્મચારીઓને સમયસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ એમના સંપર્કમાં રહેનાર અન્ય વ્યક્તિઓને અમે વિશ્વ આરોગ્ય સંસ્થા અને સ્થાનિક સરકારી સત્તાવાળાઓએ નક્કી કરેલા નિયમો અનુસાર ક્વોરન્ટાઈન કરી દીધા છે.
તાજ પેલેસ એન્ડ ટાવર હોટેલે કહ્યું છે કે હાલ એની હોટેલમાં કોઈ મહેમાનો નથી અને માત્ર હાઉસકીપિંગ, સિક્યુરિટી, મેન્ટેનન્સ વિભાગના અમુક કર્મચારીઓ જ ફરજ પર છે.