ઘાટકોપરમાં ફરી એક ગુજરાતી પાટિયું તોડી નખાયું

મુંબઈઃ અહીંના ઘાટકોપર (પૂર્વ) ઉપનગરમાં એક ઉદ્યાન ખાતે ગુજરાતી લિપીમાં મૂકવામાં આવેલા ‘મારુ ઘાટકોપર’ બોર્ડને શિવસૈનિકોએ હટાવી દીધા બાદ હવે એક અન્ય રસ્તા પર ગુજરાતીમાં લખેલા ‘આર.બી. મહેતા માર્ગ’ બોર્ડને તોડી નખાયાની ઘટના બની છે. આ કૃત્ય કરનાર અજ્ઞાત વ્યક્તિ સામેના વિરોધમાં ગુજરાતીભાષી રહેવાસીઓએ ગઈ કાલે રાતે દેખાવો કર્યા હતા.

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીના કાર્યકર્તાઓએ ગયા રવિવારે સવારે ઘાટકોપરમાં ‘મારુ ઘાટકોપર’ નામક બોર્ડને હટાવી દીધું હતું. એની જગ્યાએ ‘માઝં ઘાટકોપર’ એમ મરાઠીમાં લખેલું બોર્ડ મૂક્યું હતું. એ મુદ્દે ચર્ચા ચાલુ જ હતી ત્યાં ગઈ કાલે રાતે ઘાટકોપરના વિક્રાંત સર્કલ વિસ્તારમાં ગુજરાતીમાં લખેલું ‘આર.બી. મહેતા માર્ગ’ બોર્ડ તોડફોડ કરવામાં આવી હતી અને બોર્ડને હટાવી દેવામાં આવ્યું હતું. આ સમાચાર ફેલાતાં વિસ્તારના ગુજરાતીભાષીઓ એકત્ર થયા હતા અને શિવસેના તથા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીઓની વિરુદ્ધમાં દેખાવો કર્યા હતા.

આની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચી હતી. ઘાટકોપરના ભાજપાના ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ છેડાએ કહ્યું કે, ‘આર.બી. મહેતા સ્વાતંત્ર્યસૈનિક હતા અને એમણે પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું હતું. એમના કાર્યોના સ્મરણાર્થે જ અહીંના રસ્તાને એમનું નામ આપવામાં આવ્યું છે. મને એવી જાણકારી મળી છે કે મનસે પાર્ટીના અમુક કાર્યકર્તાઓએ તે બોર્ડની તોડફોડ કરી હતી. ત્રણ જણની ઓળખ થઈ છે. ઘાટકોપર પૂર્વમાં ગુજરાતીમાં લખેલા પાટિયા હટાવી દેવામાં શિવસેના અને મનસે વચ્ચે સ્પર્ધા ચાલી છે. એ માટે ગુજરાતીભાષીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આ ખોટું છે. મુંબઈનું વાતાવરણ બગાડવાનો આ પ્રયત્ન છે.’

ઉલ્લેખનીય છે કે, ઈશાન મુંબઈના મુલુંડ ઉપનગરમાં થોડાક દિવસો પહેલાં એક હાઉસિંગ સોસાયટીમાં ગુજરાતીભાષીઓએ મરાઠી દંપતીને ઘર ખરીદવાનો ઈનકાર કર્યો હતો. એને કારણે મોટો વિવાદ થયો હતો. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ એવો ઈનકાર કરનારને થપ્પડ મારવાનો સંકેત આપ્યો હતો.