અકાદમીનો ‘કલમ અને કેમેરા’ કાર્યક્રમ પ્રકૃતિની ગોદમાં સંપન્ન

મુંબઈઃ વર્ષ ૧૮૮૩માં સ્થપાયેલી સંસ્થા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (BNHS)એ ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં ત્યારે સેન્ટ્રલ ગવર્નમેન્ટના કહેવાથી મહારાષ્ટ્ર સરકારે BNHSને આઠ એકર જેટલી જમીન, આરે કોલોની  પાસે આપી હતી. BNHS પ્રજાને પ્રકૃતિ તરફ વાળવાના અનેક કાર્યક્રમોનાં આયોજન કરે છે. જોકે મુંબઈગરા આ પ્રવૃત્તિથી ઓછા વાકેફ છે.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી,  પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સાહિત્યને જોડવાના વિવિધ કાર્યક્રમો યોજે છે. પ્રકૃતિ અને પરિભ્રમણને પોતાની રસપ્રદ શૈલીમાં વાચકો સમક્ષ મૂકનારા મનીષ શાહ સાથે ‘કલમ અને કેમેરા ‘એવો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મનીષ શાહ છેલ્લાં  કેટલાંક વર્ષથી પ્રકૃતિ, પર્યાવરણ અને પરિભ્રમણ પરના વિવિધ વિષયો પર સતત લખતા રહ્યા છે. હાલમાં તેઓ મિડે-ડેમાં ન્યુ ઝીલેન્ડ પ્રવાસ વિશે લખી રહ્યા છે. એમના ‘નિકોબાર પ્રથમ’ પુસ્તક વિશે BNHSના ઓડિટોરિયમમાં તેમણે અદભુત ફોટોગ્રાફ સ્લાઇડ્સ સાથે એક રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું.

   નિકોબાર ટાપુઓ પર સામાન્ય પ્રવાસીઓને જવાની મનાઈ છે પરંતુ સરકારે એક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. ત્યાં જે પક્ષીઓ છે એ પક્ષીઓની નોંધણી થાય એ હેતુથી કેટલાક ફોટોગ્રાફર અને પ્રકૃતિવિદને ત્યાં મોકલવામાં આવ્યા હતાં. મનીષ શાહ એ ટીમના એક સભ્ય હતા અને એમણે નિકોબારમાં દરિયાકાંઠે કાદવ ખૂંદી વિવિધ પક્ષીઓના અભ્યાસ કર્યો હતો. આંદામાનથી નિકોબાર ચાર દિવસ દરિયાઈ સર્વિસ દ્વારા પહોંચી શકાય, પરંતુ મનીષ શાહ અને તેમના મિત્રો હેલિકોપ્ટરમાં ૫૪૦ કિલોમીટરનો પ્રવાસ કરીને નિકોબાર પહોંચ્યા હતાં. પક્ષીઓના અભ્યાસ સિવાય ત્યાં એક બીજું આકર્ષણ હતું કે ગલાથિયા ટાપુ પર કાચબાઓ પોતાના ઈંડા મૂકી જાય છે એ ઘટનાના સાક્ષી થવું.  આ કાર્યક્રમમાં હાજર ભાવકોએ એ અગાઉ BNHSના પરિસરમાં આવેલી કારવી ટ્રેઇલમાં લટાર મારી. BNHSના પ્રકૃતિવિદ મહેશ, નીલેશ તથા મનીષ શાહના મિત્ર યોગેશ સાથે હતા. પ્રકૃતિ અને સાહિત્યને સાંકળી લેવાની પરિકલ્પના અકાદમીના સક્રિય સભ્ય કવિ હિતેન આનંદપરાની હતી. અકાદમીએ અગાઉ પણ ચીકુવાડી અને નેશનલ પાર્કમાં ડોક્ટર પ્રદીપ સંઘવી સાથે આવી સરસ મજાની સવારનું આયોજન કર્યું હતું અને કળસુબાઈના પર્વત ઉપર પણ એક ગોષ્ઠી કવિ સંજય પંડ્યા અને પ્રકૃતિવિદ હિમાંશુ પ્રેમ સાથે ગોઠવવામાં આવી હતી. પ્રકૃતિ, પર્યાવરણ અને સાહિત્યને સાંકળતા બીજા કેટલાક કાર્યક્રમો પણ ભવિષ્યમાં થશે એવી જાહેરાત હિતેનભાઈએ કરી હતી. જાણીતાં ગાયિકા હેમાબહેન દેસાઈ, ડો. પ્રદીપ સંઘવી, અકાદમીના સભ્ય એવા કવિ સંજય પંડ્યા,  કવયિત્રી પ્રતિમા પંડ્યા, વાર્તાકાર પત્રકાર તરુ કજારિયા, મીતા ગોર મેવાડા,  જાગૃતિ ફડિયા તથા લેખિનીની અનેક બહેનો અને પ્રકૃતિપ્રેમીઓ આ કાર્યક્રમમાં સાથે જોડાયાં હતાં. બાળકોને BNHSની ટ્રેઈલમાં લઈ જશો તો પ્રકૃતિ તરફ એમને વાળવાનું એ પ્રથમ પગથિયું બની રહેશે!