મુંબઈઃ ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી જુલિયો રિબેરોએ ગૃહપ્રધાન અનિલ દેશમુખ દ્વારા સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેને પ્રતિ મહિને રૂ. 100 કરોડ વસૂલવા માટે આપેલા નિર્દેશના મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહના દાવાની તપાસ કરાવવા સંબંધે નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના સૂચનનો રવિવારે અસ્વીકાર કર્યો છે. રિબેરો એ ભૂતપૂર્વ પોલીસ કમિશનર હતા, જે છેલ્લે ગુજરાત અને પંજાબના વડા બન્યા પછી તેમને રોમાનિયામાં ભારતના એમ્બેસેડર બનાવાયા હતા.
હું ઉપલબ્ધ નથી, કોઈએ (રાજ્ય સરકાર) મારો સંપર્ક કર્યો નથી. જો કોઈ મારો સંપર્ક કરશે તો પણ હું આ કામ માટે ઉપલબ્ધ નથી, એમ રિબેરોએ પવારના સૂચનના જવાબમાં કહ્યું હતું.
હું 92 વર્ષનો છું. કોઈ પણ વ્યક્તિ આ ઉંમરે આવા કામ કરી ના શકે, જો મહારાષ્ટ્રના ગૃહપ્રધાન સામે તપાસ કરવાની છે તો પવાર સત્તાધારી પાર્ટીના વડા છે, તપાસ તેમણે કરવી જોઈએ. શા માટે નિવૃત્ત પોસીસ અધિકારી પાસે જ એની તપાસ કરાવવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
આ અગાઉ દિલ્હીમાં પવારે પત્રકારોને કહ્યું હતું કે તેઓ સિંહ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરવા
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને રિબેરો પાસે સૂચન કરશે. પરમબીરસિંહે ઠાકરેને લખેલા પત્રમાં ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર આરોપ મૂક્યો હતો કે તેમણે પોલીસ અધિકારી સચિન વાઝેને દર મહિને રૂ. 100 કરોડ વસૂલવાની સૂચના આપી હતી.