મુંબઈઃ ઉત્તરની દિશામાં મુંબઈ શહેરના આખરી ઉપનગર દહિસર અને પડોશના થાણે જિલ્લાના ભાઈંદર ઉપનગર વચ્ચે એલીવેટેડ લિન્ક રોડ બાંધવા માટે ટેન્ડર બહાર પાડ્યાના આઠેક મહિના બાદ, મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ ત્રણ બીડને શોર્ટલિસ્ટ કર્યા છે.
9 કંપનીઓએ એમના બિડ મોકલાવ્યા હતા. એમાંથી 3 કંપનીને પ્રોજેક્ટ બાંધકામ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી – જે. કુમાર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો અને એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. જેણે મોટી રકમની બોલી લગાવી હશે તેને આ પ્રોજેક્ટ ફાળવવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત કુલ ખર્ચ રૂ. 3,000 કરોડ છે. તે દહિસર પશ્ચિમના કાંદરપાડા મેટ્રો સ્ટેશનથી ભાઈંદર વેસ્ટના ઉત્તન વિસ્તાર સુધીનો હશે. આ લિન્ક રોડનું બાંધકામ આવતા વર્ષે શરૂ કરવાનું લક્ષ છે અને 2026 સુધીમાં પૂરું થવાની ધારણા છે. આ પ્રોજેક્ટ મુંબઈ માટે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (એમસીઆરપી)ના આખરી ચરણ સ્વરૂપ હશે. દહિસર-ભાઈંદર લિન્ક રોડ બંધાઈ જશે તે પછી દહિસર-ભાઈંદર વચ્ચેનું રોડ અંતર માત્ર 15-20 મિનિટનું થઈ જશે, જે હાલ 50 જેટલી મિનિટનું રહે છે અને ટ્રાફિક-જામની મોટી સમસ્યા વાહનચાલકોને નડતી હોય છે.