‘જેલ-સજાની સમાપ્તિએ અબુ સાલેમને છોડી દેવાનો રહેશે’

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે કહ્યું છે કે કેન્દ્ર સરકારે પોર્ટુગલની સરકારને આપેલા વચનનું પાલન કરવું પડશે અને 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના સંબંધમાં 25-વર્ષની જેલની સજા પૂરી કરી લીધા બાદ ગેંગસ્ટર અબુ સાલેમને છોડી મૂકવાનો રહેશે. સાલેમે કહ્યું હતું કે 2002ની સાલમાં એના પ્રત્યાર્પણ વખતે ભારત સરકારે પોર્ટુગલને વચન આપ્યું હતું કે એની જેલની સજા 25 વર્ષથી લંબાવાશે નહીં.

ન્યાયમૂર્તિઓ એસ.કે. કૌલ અને એમ.એમ. સુંદરેશની બેન્ચે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દેશના બંધારણની 72મી કલમ અંતર્ગત દેશના રાષ્ટ્રપતિની સલાહનું પાલન કરવા બંધાયેલી છે. 2015ની 25 ફેબ્રુઆરીએ સ્પેશિયલ TADA કોર્ટે સાલેમને મુંબઈના બિલ્ડર પ્રદીપ જૈન અને તેના ડ્રાઈવર મેહંદી હસનની 1995માં કરાયેલી હત્યાના એક અન્ય કેસમાં આજીવન સજા ફટકારી હતી. સાલેમને 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના કેસમાં પણ અપરાધી જાહેર કરાયો છે. લાંબા કાનૂની જંગ બાદ 2005ની 11 નવેમ્બરે એનું પોર્ટુગલમાંથી ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.