નવી દિલ્હીઃ ભારતમાં દરરોજ લાખો મુસાફરો પ્રવાસ કરે છે. લાંબા અંતરની યાત્રા માટે ટ્રેનને શ્રેષ્ઠ ટ્રાન્સપોર્ટેશન માનવામાં આવે છે. તહેવારોની સીઝનમાં તો મુસાફરોની સંખ્યા વધુ વધી જાય છે. તેથી ટ્રેનમાં સફાઈ જાળવવી પણ એક મોટો પડકાર બની જાય છે. ખાસ કરીને કોચના ડબ્બા અને ટોઇલેટની સ્થિતિ તો બહુ ખરાબ જોવા મળે છે.
ભારતીય રેલવેમાં લાંબી અંતરની ટ્રેનોમાં સફાઈ ખૂબ જ ગંભીર મુદ્દો છે. અહીં કોચના ડબ્બા અને ટોઇલેટોમાં ઘણી ગંદકી જોવા મળે છે. એ મુદ્દે CAG (Comptroller and Auditor General) એ એક અહેવાલ જાહેર કર્યો છે. અહેવાલમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે.
ટ્રેનની સફાઈ પર CAGનો અહેવાલ
CAG ના અહેવાલમાં જાણવા મળ્યું કે 96 ટ્રેનોમાં તપાસ દરમ્યાન 40 ટકાથી વધુ મુસાફરો ટોઇલેટની સ્વચ્છતાથી અસંતુષ્ટ હતા જ્યારે અડધાથી વધુ મુસાફરોએ હાઉસકીપિંગની સર્વિસને પણ ખરાબ ગણાવી છે. ફરિયાદોમાં બંધ ટોઇલેટ, ગંદા વોશ બેસિન, પાણીની અછત અને ગંદા વેસ્ટિબ્યુલ વિસ્તાર જેવી સમસ્યાઓ સામેલ હતી.
અહેવાલમાં એ પણ સામે આવ્યું કે લગભગ 89 ટકા ફરિયાદોનું સમયસર નિવારણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાની ખામીનું મુખ્ય કારણ પૂરતી માનવશક્તિનો અભાવ, જરૂરી સફાઈ સાધનોની અછત અને અનિયમિત દેખરેખ હોવાનું જણાયું.
અહીં 90 ટકા પોઝિટિવ પ્રતિસાદ
ઉત્તર અને ઉત્તર મધ્ય રેલવેમાં મુસાફરો સફાઈથી 90 ટકા સુધી સંતોષિત જોવા મળ્યા. એ સાથે-સાથે સ્વચ્છતા જાળવવા માટે જાગૃતિ ફેલાવવાની ભલામણ પણ થઈ. આ સર્વેમાં કુલ 2426 મુસાફરો સામેલ થયા હતા, જેમાંથી 366 (15 ટકા) મુસાફરોએ ટોઇલેટ અથવા વોશ બેસિનમાં પાણીની અછતની ફરિયાદ કરી. ટ્રેનોના ટોઇલેટ અને વોશ બેસિનમાં પાણીની અછત અંગે એક લાખથી વધુ ફરિયાદો નોંધાઈ. CAG એ આ સમસ્યાનું સમાધાન કરવા માટે રેલવેને વ્યવસ્થા સુધારવાની અપીલ કરી છે.
