ઓડિશામાં 40,000થી વધુ મહિલાઓ ગાયબ થઈ છેઃ રાહુલ ગાંધી

ભુવનેશ્વરઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી  ભુવનેશ્વરના બારામુંડા મેદાનમાં આયોજિત વિશાળ રેલી ‘બંધારણ બચાવો સમાવેશ’ને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મોટો દાવો કર્યો હતો કે ઓડિશામાં 40,000થી વધુ મહિલાઓ ગાયબ થઈ ગઈ છે અને આજે સુધી ખબર નથી પડી કે આ મહિલાઓ ક્યાં ગઈ. તેમણે આરોપ લગાવ્યો કે ઓડિશામાં દરરોજ મહિલાઓ પર અત્યાચાર થાય છે, પણ રાજ્ય સરકારને તેનાથી કોઈ ફરક પડતો નથી.

ગાંધીએ કહ્યું હતું કે ઓડિશા સરકારનું એકમાત્ર કામ એ છે કે ગરીબોની પાસેનું ઓડિશાનું ધન ચોરી લેવું. પહેલાં BJD સરકારે એવું કર્યું અને હવે BJP સરકાર એ જ કરી રહી છે. એક તરફ છે ઓડિશાની ગરીબ જનતા – દલિત, આદિવાસી, પછાત વર્ગ, ખેડૂત અને મજૂર – અને બીજી તરફ છે 5-6 અબજપતિઓ અને BJP સરકાર. આ લડાઈ ચાલુ છે. માત્ર કોંગ્રેસના કાર્યકરો અને ઓડિશાની જનતા મળીને આ લડાઈ જીતી શકે છે, બીજું કોઈ નહિ.

કોંગ્રેસ સાંસદે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સતત બંધારણ પર હુમલો કરી રહ્યો છે. જેમ મહારાષ્ટ્રમાં ચૂંટણી ચોરી કરવામાં આવી, એ જ રીતે હવે બિહારની ચૂંટણી પણ ચોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણી ચોરી માટે ચૂંટણી પંચે નવું ષડયંત્ર શરૂ કર્યું છે. ચૂંટણી પંચ હવે પોતાનું કામ નહિ પરંતુ ભાજપનું કામ કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે એક કરોડ નવા મતદારો આવી ગયા, પણ આજે સુધી કોઈને ખબર નથી કે આ મતદારો કોણ છે અને ક્યાંથી આવ્યા. અમે ચૂંટણી પંચને વારંવાર કહ્યું કે અમને મતદાર યાદી આપો, વિડિયો આપો, પણ આજે સુધી કંઇ મળ્યું નથી. હવે એ લોકો બિહારની ચૂંટણી પણ ચોરવા માંગે છે, પણ અમે એ થવા નહીં દઈએ.