મોરારી બાપુનું રશિયા-યુક્રેનનું યુદ્ધ બંધ કરાવવા આહ્વાન

રાજકોટ: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોનો વિશ્વભરમાં પ્રસાર કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પૂ. મોરારી બાપુ હાલ ઝારખંડમાં જૈન મુનિઓની તપોભૂમિ સમેદ શિખર ખાતે કથા કરી રહ્યા છે. આ ભૂમિ પરથી રામકથા દરમિયાન બાપુએ યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અંગે દુઃખ વ્યક્ત કરી વિશ્વભરના નેતાઓને એક થઈ આ યુદ્ધ રોકવા અને શાંતિ સ્થાપિત કરવાનું આહ્વાન કર્યું હતું.

વિશ્વમાં ઘણાં દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલાં યુદ્ધથી વ્યથિત પૂજ્ય બાપુએ કહ્યું હતું કે, “યુદ્ધમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યાં છે. નાનાં બાળકો તુટેલાં પાત્રોમાં રોટલી માગી રહ્યાં છે. ત્યારે હવે યુદ્ધ બંધ થવા જોઇએ. આપણે બધાંને એકસૂત્રમાં બાંધવાની જરૂર છે.”તેમણે ઉમેર્યું હતું કે, “મારું ચાલે તો હું શાંતિ માટે યુક્રેન-રશિયા બોર્ડર ઉપર કથા કરું. વિશ્વભરના મહાનુભાવો ભેગા થાય અને સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરીને યુદ્ધ બંધ કરાવે તેવી મારી ઇચ્છા છે. મારા હ્રદયની કોઇ નેતાઓ સાંભળે કે નહીં પણ મારી વાત મહાદેવ સાંભળશે, અહિંસાના પૂજારી પાર્શ્વનાથ સાંભળશે તેવો મને વિશ્વાસ છે.”

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધથી મોટી ખુવારી થઇ છે, હજારો લોકો માર્યા ગયા છે. આ યુદ્ધથી હજારો લોકો બેઘર બન્યાં છે. બાળકો નોધારા બન્યાં છે, ત્યારે માનવતાના રાહે વિશ્વના નેતાઓ એક બનીને યુદ્ધ રોકવા આગળ આવે તે વર્તમાન સમયનો તકાજો છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)