નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે મુખ્ય ધિરાણ દર- રેપો રેટને 5.25 ટકાએ યથાવતે રાખ્યો છે. આ ચાલુ નાણાકીય વર્ષ માટેની કમિટીની અંતિમ દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠક હતી. RBIની મોનેટરી પોલિસી કમિટીએ ચોથીથી 6 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી બેઠકમાં પોલિસી સ્ટાન્સ ‘ન્યુટ્રલ’ જાળવી રાખ્યું છે. ‘ન્યુટ્રલ’ વલણ દર્શાવે છે કે વ્યાજ દરો થોડો સમય નીચલા સ્તરે જ રહી શકે છે. પોલિસી બેઠક બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આ નિર્ણયની જાહેરાત કરી હતી.
RBI ગવર્નરે જણાવ્યું હતું કે મોંઘવારી દર અમારા અંદાજના દાયરા અંદર છે. ઊંચી વૃદ્ધિ અને ઓછી મોંઘવારીનો સારો સમય છે. ભારતીય અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ અર્થતંત્રનું પ્રદર્શન મજબૂત રહ્યું છે.
RBIએ નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 7.3 ટકાથી વધારીને 7.4 ટકા કર્યો છે. નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ ત્રિમાસિક માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.7 ટકાથી વધારીને 6.9 ટકા અને બીજા ત્રિમાસિક ગાળા માટે 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે. ગવર્નરે જણાવ્યું હતું કે નવી જીડીપી સિરીઝ આવવાની હોવાથી આખા વર્ષનો અંદાજ જાહેર કરવામાં આવ્યો નથી.
VIDEO | RBI Governor Sanjay Malhotra says, “Indian economy remains resilient; Monetary policy will be guided by new inflation data based on revised series.” #MonetaryPolicy #RBI
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/nrRjYMMjHh
— Press Trust of India (@PTI_News) February 6, 2026
મોંઘવારી દર
RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીનો અંદાજ 2.1 ટકા રાખ્યો છે. જ્યારે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક માટે મોંઘવારી 4 ટકા અને બીજા ત્રિમાસિક માટે 4.2 ટકા રહેવાનો અંદાજ છે.
ફેબ્રુઆરી 2025થી વ્યાજ દરોમાં 125 બેસિસ પોઈન્ટની કપાત
ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધી વ્યાજ દરોમાં કુલ 125 બેસિસ પોઈન્ટની કપાત કરવામાં આવી છે. ડિસેમ્બર બેઠકમાં MPC એ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો, જેથી રેપો રેટ 5.50 ટકાથી ઘટીને 5.25 ટકા થયો હતો. બે બેઠકો સુધી દર યથાવત રાખ્યા પછી આ ઘટાડો કરવામાં આવ્યો હતો.




