નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓમાં ઈરાને પોતાની સૈન્ય ક્ષમતાનો મોટો ભાગ અને ટોચના સૈન્ય કમાન્ડરો ગુમાવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખોમિની ગયા અઠવાડિયે પોતાના પિતા, સ્વર્ગસ્થ આયાતોલ્લા અલી ખોમિનીના અંતિમ સંસ્કારમાં પણ જોવા મળ્યા નહોતા અને તેઓ 90 ટકા ખતમ થઈ ચૂક્યા છે. ટ્રમ્પે કહ્યું, તેમની પાસે હવે કોઈ નૌસેના નથી, કોઈ વાયુસેના નથી, બધું જ ખતમ થઈ ગયું છે. તેમની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ થઈ ગઈ છે. તેમના બધા નેતાઓ માર્યા ગયા છે. તેમના સૌથી સારા નેતાઓ પણ માર્યા ગયા છે.
ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે યુદ્ધમાં ઈરાનના મોટા નેતાઓ માર્યા ગયા છે. તેમણે કહ્યું હતું કે તેઓ ખતમ થઈ ગયા છે. ખોમિની ખતમ થઈ ગયા છે. જોકે, આ નિવેદન દરમિયાન ટ્રમ્પે 1989માં અવસાન પામેલા ઈરાની ક્રાંતિના નેતા રુહોલ્લા ખોમિનીનું નામ લીધું, જ્યારે તેમનો સંકેત સ્પષ્ટ રીતે અલી ખોમિની તરફ હતો. ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે યુદ્ધના પ્રથમ દિવસે, 28 ફેબ્રુઆરીએ અલી ખોમિનીનું મોત થયું હતું. મોજતબા ખામેનેઈ 28 ફેબ્રુઆરી પછીથી જાહેરમાં જોવા મળ્યા નથી. એ જ દિવસે અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓમાં તેઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે અને એ હુમલાઓમાં તેમના પિતાનું પણ મૃત્યુ થયું હોવાનું દાવો કરવામાં આવે છે. જાહેર સ્થળોએ તેમની સતત ગેરહાજરીને કારણે લોકોમાં તેમની તબિયત અને તેઓ ક્યાં છે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.

અમેરિકા–ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ
ટ્રમ્પની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ગયા અઠવાડિયાના અંતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી હુમલાઓ શરૂ થયા હતા, જેને કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલો યુદ્ધવિરામ (સીઝફાયર) ખતમ થયો હોવાનું માનવામાં આવે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કોંગ્રેસને સત્તાવાર રીતે જાણ કરી છે કે ઈરાન સામેની સૈન્ય કાર્યવાહી ગયા અઠવાડિયે ફરી શરૂ કરવામાં આવી છે. તેમણે ઈરાનનાં વિવિધ ઠેકાણાઓ પર અનેક તબક્કામાં હુમલાઓના આદેશ આપ્યા હતા.






