ધારાસભ્યએ કોન્સર્ટનો કર્યો હતો વિરોધ, તેમ છતાં પુનામાં દીલજીતે મચાવી ધમાલ

મુંબઈ: દિલજીત દોસાંજનો કોન્સર્ટ આ દિવસોમાં દારૂના વિવાદને કારણે ચર્ચામાં છે. તેલંગાણા સરકારની નોટિસ બાદ મહારાષ્ટ્રના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે હવે રવિવારે પુણેના કોથરુડ વિસ્તારમાં અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં દારૂ પીરસવાની પરમિટ રદ કરી દીધી હતી. કોન્સર્ટ પહેલા મહારાષ્ટ્ર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પોતાનો નવો આદેશ જારી કરીને બધાને ચોંકાવી દીધા હતા. કોથરુડના તાજેતરમાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલ સહિત અનેક સૂત્રોએ કાર્યક્રમમાં દારૂ પીરસવાની ઘટના સામે વિરોધ દર્શાવ્યા બાદ વિભાગે પરમિટ રદ કરી દીધી હતી.

મહારાષ્ટ્ર સરકાર દિલજીતના કોન્સર્ટનો વિરોધ કરે છે
કોથરુડના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલ સહિત અનેક લોકોએ વાંધો ઉઠાવ્યા બાદ વિભાગે પરમિટ રદ કરી હતી, પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો. સિંગર-એક્ટર દિલજીત દોસાંઝની દિલ-લુમિનાટી ટૂર વિવિધ શહેરોમાં કોન્સર્ટ કરી રહી છે. એટલું જ નહીં, ભાજપ અને એનસીપીના ઘણા નવા ચૂંટાયેલા નેતાઓએ પણ પુણેના કોથરુડ વિસ્તારમાં આયોજિત શોનો વિરોધ કર્યો હતો. ધારાસભ્ય પાટીલે કોથરુડના કાકડે ફાર્મમાં સાંજના કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, ‘આવા કાર્યક્રમો શહેરની સંસ્કૃતિનો ભાગ નથી. જેના કારણે વિસ્તારના રહીશોને ભારે મુશ્કેલી ઉભી થશે. આ કાર્યક્રમથી ટ્રાફિક જામ પણ થશે. તેથી, મેં શહેર પોલીસ કમિશનરને કાર્યક્રમ રદ કરવા વિનંતી કરી છે. જોકે તેમ છતાં રવિવારે દિલજીતનો કોન્સર્ટ થયો હતો અને હજારો લોકોની ભીડ જામી હતી.

હૈદરાબાદમાં કોન્સર્ટ પહેલા દિલજીતને નોટિસ મળી હતી

દિલજીત દોસાંઝ હાલમાં તેની દિલ-લુમિનાટી ટૂરમાં છે. શુક્રવારે 15 નવેમ્બરે હૈદરાબાદમાં યોજાનાર કોન્સર્ટ પહેલા તેને તેલંગાણા સરકાર તરફથી નોટિસ મળી હતી. નોટિસમાં પંજાબી ગાયકને ડ્રગ્સ, આલ્કોહોલ અથવા હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા માટે કહેવામાં આવ્યું હતું. ચંદીગઢના પંડિતરાવ ધરેનવારની રજૂઆતને પગલે આ દિશાનિર્દેશ આપવામાં આવ્યો છે, જેમણે પુરાવા તરીકે દિલજીતનો ડ્રગ્સ, આલ્કોહોલ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ગાવાનો તાજેતરનો વીડિયો રજૂ કર્યો હતો. નોટિસમાં તેને ચેતવણી પણ આપવામાં આવી છે કે તે તેના શો દરમિયાન આ ગીતોનો ઉપયોગ ન કરે.