ગુલમર્ગ અને પહેલગામમાં લઘુત્તમ તાપમાનનો પારો શૂન્યથી નીચે પહોંચ્યો

શ્રીનગર: બુધવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર શહેરમાં રાત્રિનું તાપમાન શૂન્યથી ઉપર રહ્યું.બીજી તરફ ગુલમર્ગ અને પહેલગામ હિલ સ્ટેશનોમાં તે શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે ગુલમર્ગ અને પહેલગામમાં અનુક્રમે માઈનસ 4.2 અને માઈનસ 2.2 ડિગ્રી હતું. જમ્મુ શહેરમાં લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ, કટરા શહેરમાં 9.4, બટોટમાં 4.2, બનિહાલ 6.4 અને ભદરવાહમાં 0.6 ડિગ્રી હતું. હવામાન વિભાગે 31 ડિસેમ્બર સુધી આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે અને કહ્યું છે કે રાત્રિનું આકાશ સ્વચ્છ રહેવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.

પૃથ્વી પરના સ્વર્ગ પર 21 ડિસેમ્બરના રોજ ‘ચિલ્લાઈ કલાન’ નામની 40 દિવસની કડકડતી ઠંડીનો સમયગાળો શરૂ થયો છે. બીજી તરફ ખીણના તમામ ઊંચાઈવાળા વિસ્તારોમાં બહુ રાહ જોવાતી હિમવર્ષા થઈ હતી જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ખીણમાં સમસ્યાઓ ઊભી કરતી 3 મહિનાની સૂકી ઠંડીનો અંત આવ્યો હતો, કારણ કે મોટાભાગના લોકોએ શરદી, ફ્લૂ અને છાતી સંબંધિત બીમારીઓની ફરિયાદ કરી હતી.વરસાદ અને બરફવર્ષાથી હોટેલ માલિકો, ટૂર અને ટ્રાવેલ ઓપરેટરો અને પ્રવાસન ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા અન્ય લોકોની આશા પણ વધી છે. આ લોકો હવે ગુલમર્ગ અને અન્ય હિલ સ્ટેશનો પર નાતાલ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પ્રવાસીઓના આગમનની રાહ જુએ છે. ગુલમર્ગમાં સ્કીઅર્સનું પણ આગમન થવાની અપેક્ષા છે કારણ કે આ રિસોર્ટ તેના ભવ્ય સ્કી ઢોળાવને કારણે ‘સ્કીઅર્સ પેરેડાઇઝ’ તરીકે ઓળખાય છે.