હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

 અમદાવાદઃ  હવામાન નિષ્ણાતો દ્વારા ભર ઉનાળે વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યનાં 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. રાજકોટમાં તો ગરમીએ 133 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. બીજી બાજુ, રાજ્યના ચાર જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.   હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને અથ્રેયા શેટ્ટી દ્વારા મે મહિનાના પહેલા અઠવાડિયામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના અનુમાન અનુસાર  રાજ્યમાં માવઠાની સંભાવના છે. શુક્રવારથી રાજ્યમાં માવઠાની સંભાવના છે. બીજી અને ત્રીજી મેએ ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે. ત્રીજી મે બાદ આખા રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે તો ક્યાંક રાજ્યમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થશે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયાં ઝાપટાં પડી શકે છે. ઊંચા તાપમાનને કારણે અમુક વિસ્તારોમાં લોકલ સિસ્ટમ બનશે. ગુજરાતમાં કોઈક કોઈક વિસ્તારમાં અતિ ગરમીને કારણે આ વિસ્તારોમાં લો પ્રેશર બને અને અચાનક બપોર પછી વાદળ બંધાય અને ઝાપટાં પડી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 30 એપ્રિલથી 8 મે વચ્ચે આંધી-વંટોળ સાથે રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે. ગુજરાતમાં પણ 8 મે આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 25 મેથી ચોથી જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન કદાચ ચક્રવાત પણ બની શકે. જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે તો રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે.