અમદાવાદ: ગાંધીનગરના લવાડ ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ સ્ટોક એક્સચેન્જ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ MoUનો હેતુ આર્થિક અને નાણાકીય સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર વધારવા અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર દ્વારા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તેના TREE-C કોન્સેપ્ટના આધારે નેશનલ સ્ટોક એક્સચેન્જને વ્યાપક મદદ કરશે. જેમાં તાલીમ, સંશોધન, વિષયોને લગતું શિક્ષણ, કામના વિસ્તરણ અને કન્સલ્ટન્સી સેવાઓનો સમાવેશ થાય છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ કુમાર ચૌહાણની હાજરીમાં આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. NSE IXના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બાલા વી., રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ.) કલ્પેશ એચ વાંદ્રા, RRUના રજીસ્ટ્રાર શિશિર કુમાર ગુપ્તા અને RRUના એકેડેમિક ડીન સુશીલ ગોસ્વામી આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર ડૉ. કલ્પેશ એચ વાંદ્રાએ જણાવ્યું કે, આ MoU આર્થિક ગુનાઓ, ફોરેન્સિક એકાઉન્ટિંગ, સાયબર ક્રાઇમ્સ, નાણાકીય નિયમો અને ટેક્નિકલ અચિવમેન્ટ્સ સહિતના ક્ષેત્રોમાં ઉચ્ચ કૌશલ્ય અને તાલીમ કાર્યક્રમો પહોંચાડવા માટે કરવામાં આવ્યા છે.NSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ કુમાર ચૌહાણે ભારતની નાણાકીય સ્વતંત્રતામાં NSEની મહત્ત્વની ભૂમિકા અને 1994માં શરૂઆતથી જ તેની મજબૂત વૃદ્ધિ વિશે વાત કરી. યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે NSEની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા તેમણે કહ્યું, “RRU અને NSE IX અને NSEICC વચ્ચેની ભાગીદારી એ એક વ્યૂહાત્મક જોડાણ હશે જેનો ઉદ્દેશ્ય આધુનિક આર્થિક અને નાણાકીય જોખમોનો સામનો કરવા માટે મજબૂત માળખું ઉભું કરવાનો છે.”