કેન્દ્ર અને રાજ્ય સરકારની મેરેથોન બેઠકો; હાઈ ટાઈટનું એલર્ટ!

ચક્રવાત બિપરજોય 15 જૂન, 2023 ના રોજ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, શક્તિશાળી ચક્રવાત બિપરજોય 15 જૂનની સાંજે જખૌ બંદર પર પહોંચવાની સંભાવના છે. IMD દ્વારા અત્યાર સુધી શેર કરવામાં આવેલી માહિતી મુજબ, બિપરજોય અરબી સમુદ્ર પર ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 15 જૂનની સાંજ સુધીમાં ગુજરાતના જખાઉ બંદર નજીકથી પસાર થશે.


આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચક્રવાત બિપરજોય ને લઈને ગાંધીનગરમાં અધિકારીઓ સાથે સતત મેરેથોન બેઠકો યોજી રહ્યાં છે. તે ઉપરાંત તેઓ કેન્દ્ર સાથે પણ સતત કોન્ટેક્ટમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારના અધિકારીઓ પાસેથી સતત સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. આ ઉપરાંત હર્ષ સંઘવી પણ દરિયાકાંઠાના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને જાનહાનિ ટાળવા માટેની તૈયારીમાં વ્યસ્ત છે.


IMD અનુસાર, ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ ચક્રવાત બિપરજોય થી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. IMD અનુસાર, ચક્રવાત કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદર નજીક 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે 15 જૂનની સાંજે 150 કિમી પ્રતિ કલાકની વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. આ દરમિયાન મોટી ભરતીની પણ આગાહી કરવામાં આવી છે. તેથી દરિયા વિસ્તારમાં વસતા તમામ લોકોનું સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે.


નલિયાના પોલીસ સબ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે માંડવી અને નલિયા બિપરજોય ચક્રવાતના હોટસ્પોટ છે. આ માટે અમે લોકોને જાગૃત કર્યા છે. આ સાથે SDRF અને NDRFની એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે જે કોઈપણ કટોકટીની સ્થિતિમાં બચાવ કામગીરી હાથ ધરશે.


ચક્રવાત બિપરજોય પર ડીઆઈજી એનડીઆરએફ મોહસીન શાહિદીએ જણાવ્યું હતું કે ચક્રવાતનું લેન્ડફોલ 15મીએ સાંજે ગુજરાતમાં થવાનું છે. તેને જોતા NDRFની 18 ટીમો તૈનાત કરવામાં આવી છે, SDRFની 13 ટીમો હાજર છે. તેમણે કહ્યું કે સ્થિતિને જોતા અત્યાર સુધીમાં 44,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ ચાલુ છે. લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.


ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના દરિયાકાંઠાના ભાગો, ખાસ કરીને કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત નબળો પડયા બાદ બિપરજોય ઉત્તર-પૂર્વ અને દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધવાની ધારણા છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં 15-17 જૂન દરમિયાન ભારે વરસાદ પડશે.


કચ્છના માંડવી બીચ પર ચક્રવાતને જોતા સમુદ્ર નજીકની તમામ ગતિવિધિઓ સ્થગિત કરી દેવામાં આવી છે. ચક્રવાતને કારણે કંડલા પોર્ટ પર તમામ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.


બિપરજોયને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને રદ/આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં સાવચેતીના પગલા તરીકે 69 ટ્રેનો રદ કરી છે, 32 ટ્રેનોને ટૂંકાવી દીધી છે અને 26 અન્ય ટ્રેનોને ફરીથી શેડ્યૂલ કરી છે.
ચક્રવાતને કારણે પ્રદેશમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને માછીમારીની પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી છે અને 16 જૂન સુધી બંદરો બંધ રાખવામાં આવ્યા છે. NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ જિલ્લામાં સંપૂર્ણ રીતે તૈયાર છે.
ગુજરાતમાં મંગળવાર સાંજ સુધીમાં 37,700 થી વધુ લોકોને દરિયાકાંઠાના આઠ જિલ્લાઓમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કામગીરી બે તબક્કામાં કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી 0 થી 5 કિમીની ત્રિજ્યામાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજા તબક્કામાં દરિયાકાંઠાના 5 થી 10 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવશે.


ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે દ્વારકામાં 20થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા હતા અને કેટલાક કચ્છના મકાનોને નુકસાન થયું હતું. ચક્રવાતને પગલે રાજ્ય સરકાર ભાજપ અને વિરોધ પક્ષો-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)-એ સંવેદનશીલ વિસ્તારોમાં લોકો માટે હેલ્પલાઈન શરૂ કરી છે. કોંગ્રેસે કહ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં રાજ્ય પ્રશાસનને મદદ કરશે.


ચક્રવાતી તોફાન બિપરજોયની તીવ્રતાના કારણે ભારે વરસાદને પગલે પોરબંદરમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારતીય હવામાન વિભાગે બુધવારે ચક્રવાતી તોફાન બિપરજોયને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMDની ચેતવણી જણાવે છે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા છે.