આણંદ: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (AMUL)ના 5 લાખ પશુ પાલકો દ્વારા 1977માં એક ખાસ ફિચર ફિલ્મ નિર્મિત કરવામાં આવી હતી. શ્યામ બેનેગલ દ્વારા દિગ્દર્શિત એવોર્ડ વિજેતા ફીચર ફિલ્મ ‘મંથન’ના નામે વધુ એક મોટી ઉપલ્બધિ નોંધાવા જઈ રહી છે. આગામી 10મી માર્ચ, 2025ના રોજ લોસ એન્જલસમાં એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સમાં “ઇમોશન ઇન કલર: અ કેલિડોસ્કોપ ઓફ ઇન્ડિયન સિનેમા”ના ભાગ રૂપે સ્ક્રીનિંગ માટે ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. આ સમારોહમાં ભારતની 12 આઇકોનિક ફિલ્મોની પણ પસંદગી કરવામાં આવી છે.

GCMMF (અમૂલ) એ બિન-લાભકારી સંસ્થા, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન સાથે મળીને મંથન ફિલ્મને 4Kમાં ફરી તૈયાર કરી છે. ‘મંથન’ના 4K વર્ઝનને મે 2024માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર રેડ-કાર્પેટ વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ‘મંથન’ ભારતની એકમાત્ર ફિલ્મ હતી જે ફેસ્ટિવલના કાન્સ ક્લાસિક વિભાગ હેઠળ પસંદ કરવામાં આવી હતી.
લોસ એન્જલસના એકેડેમી મ્યુઝિયમમાં ‘મંથન’ સહિત ૧૨ આઇકોનિક ફિલ્મોની ગ્રાઉન્ડબ્રેકિંગ શ્રેણીનું ક્યુરેટિંગ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના સ્થાપક ડિરેક્ટર શિવેન્દ્ર સિંહ ડુંગરપુર દ્વારા કરવામાં આવ્યું છે, જે ભારતના સિનેમેટિક વારસાને સાચવવા માટે સમર્પિત એક બિન-લાભકારી સંસ્થા છે.
GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,“ ‘મંથન’ ભારતની શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનની દૂધ સહકારી ચળવળથી પ્રેરિત છે. આ ફિલ્મનો ડેરી સહકારી ચળવળ પર ખૂબ જ પ્રભાવ પડ્યો છે. તેણે દેશભરના લાખો ખેડૂતોને સ્થાનિક ડેરી સહકારી મંડળીઓ બનાવવા માટે એક મંચ પર આવવા પ્રેરણા આપી અને દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભરતા તરફ ભારતની સફરમાં મોટું યોગદાન આપ્યું છે. ભારત વર્ષ ૧૯૯૮માં વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો અને ત્યારથી તેણે આ સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ ૧૯૭૬માં ‘મંથન’ ને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ (ઓસ્કાર) માટે ભારત તરફથી એકેડેમી એવોર્ડ માટે રજૂ કરવામાં આવેલ હતી અને વર્ષ ૨૦૨૫માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષમાં આ ફિલ્મ પ્રદર્શિત થતા અમે ગર્વ અનુભવી રહ્યા છીએ.”
10 લાખ રૂપિયાના બજેટમાં બનેલી, મંથન પહેલી ક્રાઉડફંડેડ ભારતીય ફિલ્મ પણ હતી. જેમાં GCMMFના 5 લાખ પશુ પાલકોએ ફિલ્મના નિર્માણ ખર્ચને ભંડોળ પૂરું પાડવા માટે પ્રતિ પશુપાલક ₹ 2નું યોગદાન આપ્યું હતું. આ ફિલ્મ સમુદાય-સંચાલિત પહેલની પરિવર્તનશીલ સંભાવના દર્શાવે છે અને ભારતીય સિનેમાના સામાજિક રીતે સંબંધિત વાર્તાઓમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ દર્શાવે છે. મંથનને વર્ષ ૧૯૭૭માં હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને વિજય તેંડુલકરને શ્રેષ્ઠ પટકથા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.



