અજિત પવારના મોતની તપાસ સુપ્રીમની નિગરાનીમાં કરવા મમતાની માગ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના મોતની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગ કરી હતી. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે અન્ય તમામ એજન્સીઓની નિષ્પક્ષતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. તેમનું કહેવું હતું કે વર્તમાન તંત્રો મારફતે સત્ય બહાર નહીં આવે. તેમણે કહ્યું હતું કે માત્ર સુપ્રીમ કોર્ટની દેખરેખમાં થતી તપાસ જ વિશ્વસનીય બની શકે.

66 વર્ષીય અજિત પવાર અને અન્ય પાંચ લોકોનું બુધવાર સવારે પુણે જિલ્લાના બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું હતું. હુગલી જિલ્લામાં સિંગૂર જવા રવાના થવાના પહેલાં પત્રકારો સાથે વાત કરતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમને માત્ર સુપ્રીમ કોર્ટ પર જ વિશ્વાસ છે. બાકી તમામ એજન્સીઓ સંપૂર્ણ રીતે ભ્રષ્ટ થઈ ગઈ છે.

દિલ્હી સ્થિત ‘VSR વેન્ચર્સ’ દ્વારા સંચાલિત ‘લિયરજેટ 46’ વિમાન બારામતી એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. DGCA અનુસાર વિમાનમાં ક્રૂ સભ્યો સહિત કુલ પાંચ લોકો સવાર હતા. મમતા બેનર્જીએ એ સંકેત પણ આપ્યો કે અજિત પવાર પોતાના કાકા શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં પાછા ફરવાની યોજના બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે તાજેતરના દિવસોમાં આવેલી ખબરોથી આવા પગલાંના સંકેતો મળતા હતા. તેમણે કહ્યું  હતું કે  આજે સવારે અજિત પવારના અવસાનની ખબર સાંભળીને હું ખરેખર હચમચી ગઈ. આથી સાબિત થાય છે કે આ દેશમાં રાજકીય પક્ષોના નેતાઓ માટે પણ કોઈ સુરક્ષા નથી.

એકનાથ શિંદેએ આપી તપાસની ખાતરી

મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુધવારે પોતાના સાથી અજિત પવારના પ્લેન ક્રેશમાં થયેલા અવસાનને દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું કે પવારના મોત માટે જવાબદાર પ્લેન ક્રેશની તપાસ કરવામાં આવશે.