મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ ગુરૂવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ ત્રીજી વખત લેવા જઈ રહ્યા છે. જો કે શપથ લેતા પહેલા તેમણે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં નવી સરકાર આજે શપથ લેવાની છે. સૂત્રો અનુસાર અજિત પવાર અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. આ ત્રણેય આજે શપથ લેશે કે અન્ય મંત્રીઓ પણ સાથે શપથ લેશે તેના પર સૌની નજર છે.શિવસેનાના નેતા દીપક કેસરકરે શપથ સમારોહ પહેલા જણાવ્યું હતું કે શિવસેનાના તમામ ધારાસભ્યો બુધવાર સાંજે એકનાથ શિંદેને મળ્યા હતા અને તેમને મહારાષ્ટ્ર કેબિનેટનો હિસ્સો બનવા અને નાયબ મુખ્ય મંત્રી પદ સ્વીકારવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આને હકારાત્મક રીતે વિચારશે અને એકનાથ શિંદે હંમેશા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વાત સાંભળે છે. જો ત્યાંથી કોઈ સંદેશ આવે છે, તો તેઓ હંમેશા તેમના નિર્ણય પર વિચાર કરશે.