ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં નહીં આવી શકેલા લોકોએ વસવસો કરવાની જરૂર નથી. યુપી સરકારે કુંભ મેળામાં નહીં આવી શકેલા લોકોને ઘરે ગંગાજળ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આ પહેલની જવાબદારી યુપી પોલીસના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગને સોંપવામાં આવી છે, જે ફાયર ટેન્ડરનો ઉપયોગ કરીને પાણીનું પરિવહન કરશે. આ માટે ફાયર બ્રિગેડની 300થી વધુ ગાડીઓમાં ગંગાજળ રવાના કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિ મુજબ 75 જિલ્લામાં 5 લાખ લીટરથી વધુ ગંગાજળ મોકલવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજ સંગમ તટનું ગંગાજળ લોકો સુધી પહોંચાડવા માટે જે-તે જિલ્લાના તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે. એટલું જ નહીં જેલમાં કેદ કેદીઓની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં લેતા વિવિધ જેલમાં કેદ 90 હજારથી વધારે કેદીઓને સંગમનું જળ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ મેળાનું સમાપન થયું હતું. જો કે મેળો સંપન્ન થયા બાદ પણ મોટી સંખ્યામાં લોકો સંગમતટે આવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્થાનિક તંત્રની સાથે મળીને કુંભ વિસ્તારમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
