કાંટે કી ટક્કર બાદ શશિ થરૂરે મોદી સરકારના મંત્રીને હરાવ્યા

તિરૂવનંતપુરમ: લોકસભા ચૂંટણીમાં કેરળ રાજ્યમાં ભાજપને બે બેઠક મળવાની આશા હતી. જેમાંથી એક બેઠક હતી તિરૂવનંતપુરમ. આ બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર મેદાનમાં હતા જ્યારે ભાજપે પોતાના મંત્રી રાજીવ ચંદ્રશેખરને આ બેઠક પરથી ટિકિટ આપી હતી. આજ સવારથી જ આ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી હતી. પરંતુ અંતિમ પરિણામ અનુસાર આ બેઠક પરથી કોંગ્રેસ નેતા શશિ થરૂર 15,000 કરતાં વધુ લીડથી જીત્યા છે. તેમણે મોદી સરકારના મંત્રીને હરાવ્યા છે. કેરળની 20 સીટોમાંથી તિરુવનંતપુરમ સીટ સૌથી હોટ રહી છે.

મત ગણતરીના આંકડાઓના પ્રારંભિક વલણ મુજબ અહીંથી ભાજપના રાજીવ ચંદ્રશેખર આગળ હતા. કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર તિરૂવનંતપુરમ લોકસભા સીટ પરથી 4,948 મતોના પાતળાં માર્જિનથી આગળ હતા. શશિ થરૂર 2009થી સતત આ બેઠક પરથી જીતી રહ્યા છે.2019માં કોંગ્રેસના શશિ થરૂર અહીંથી જંગી મતથી જીત્યા હતા. ત્યારબાદ તેમણે અહીંથી ભાજપના કુમ્મનમ રાજશેખરનને 99,989 મતોથી હરાવ્યા. શશિ થરૂરને 2019 માં 4,16,131 મત મળ્યા હતા, જ્યારે બીજેપી ઉમેદવાર કુમ્મનમ રાજશેખરન અહીં બીજા ક્રમે રહ્યા હતા અને 3,16,142 મત મેળવ્યા હતા. જ્યારે સી.પી.આઈ.ના ઉમેદવાર સી. દિવાકરન 2,58,556 મતો મેળવીને ત્રીજા ક્રમે રહ્યા હતા. 2019માં તિરૂવનંતપરમમાં મતદાનની ટકાવારી 73.45% હતી.