ગુજરાત સ્થાપના દિવસે જ PMના રાજ્યમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં જ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારનો આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું છે. વડાપ્રધાન આગામી 1લી અને 2જી મેના રોજ બે દિવસમાં જ છ જાહેર સભાઓ ગજવશે. વડાપ્રધાનના પ્રવાસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્રણ દિવસ રાજ્યમાં ભાજપના પ્રચાર માટે આવવાના છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧લી મેને ગુજરાતના સ્થાપના દિનના રોજ બપોરે ડીસા ખાતે સભાથી રાજ્યની ૨૫ બેઠકો માટે ઝંઝાવતી પ્રચાર પ્રવાસનો આરંભ કરશે. વડાપ્રધાન મોદી બપોરે ૩.૩૦ વાગે ડીસા એરોડ્રામ ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભા માટે પ્રચારસભાને સંબોધશે. વડાપ્રધાન બે દિવસમાં દક્ષિણ ગુજરાત સિવાયના ચાર ઝોનમાં છ જાહેરસભા સંબોધવાના છે. આ સભાઓમાં બેથી ચાર લોકસભાના મતવિસ્તારોને આવરી લેવાય તે પ્રકારનું આયોજન કરાયું છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે વડાપ્રધાન મોદી એકપણ મહાનગરમાં રોડ શો યોજેય તેવી શક્યતા નથી.૧લી મેના રોજ વડાપ્રધાન બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી તથા પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં સભા સંબોધશે. PM ડીસાથી સાંજે ૫.૩૦ વાગે હિંમતનગર ખાતે મોદી ગ્રાઉન્ડમાં સાબરકાંઠાના શૌભના બારૈયા ઉપરાંત પાટણની ખેરાલુ વિધાનસભા ઉપરાંત મહેસાણાની વિજાપુર, અમદાવાદ પૂર્વની દહેગામ વિધાનસભાને આવરી લેતી સભાને સંબોધશે. આમ, વડાપ્રધાન ૧લીમેના રોજ એક જ દિવસમાં પાંચ લોકસભા મતવિસ્તારોના મતદારોને સંબોધન કરશે.

PM મોદીના ગુજરાત પ્રવાસની વિગતો:

તારીખ બેઠક સમય સભા સ્થળ
01-05-24 બનાસકાંઠા, પાટણ 3:30 pm એરોડ્રોમ ગ્રાઉન્ડ, ડીસા, બનાસકાંઠા
01-05-24 સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ પશ્ચિમ 5:15 pm મોદી ગ્રાઉન્ડ, હિંમતનગર, સાબરકાંઠા
02-05-24 આણંદ, ખેડા 11:00 am શાસ્ત્રી ગ્રાઉન્ડ, opp. સી.વી.એમ. ઓફિસ, વલ્લભ વિદ્યાનગર, આણંદ
02-05-24 સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર 1:00 pm ત્રિમંદિર ગ્રાઉન્ડ, સુરેન્દ્રનગર-રાજકોટ રોડ, સુરેન્દ્રનગર
02-05-24 જૂનાગઢ, પોરબંદર, અમરેલી 03.15 pm કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ
02-05-24 જામનગર 5:00 pm પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગર

૨જી મેના રોજ વડાપ્રધાન મોદી સવારે ૧૧ વાગે આણંદ ખાતે ખેડા અને આણંદ લોકસભા મતવિસ્તારના મતદારોને આવરી લેતી સભાને સંબોધશે. જેમાં આણંદમાં મિતેશ પટેલ અને ખેડામાં દેવુસિંહ ચૌહાણ ઉમેદવારો છે. આણંદથી વડાપ્રધાન સીધા સુરેન્દ્રનગર પહોંચશે અને અહીં સુરેન્દ્રનગરમાં રાજકોટ રોડ ઉપર સભા સંબોધશે. અહીં પીએમની સભામાં રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા, ભાવનગરના નિમુબેન બંભાણીયા ઉપસ્થિત રહેશે. બપોરે ૩.૩૦ વાગે જૂનાગઢમાં અને સાંજે પ વાગે જામનગરમાં સભાને સંબોધશે.