ડોનમાંથી નેતાઃ મોકામાંથી JDUના ઉમેદવાર સામે 28 ગુનાહિત કેસ

પટનાઃ બિહારના મોકામાં વિધાનસભા ક્ષેત્રથી JDUના ઉમેદવાર અનંત સિંહે પોતાનું નામાંકન દાખલ કરતાં 37.88 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આ માહિતી તેમણે ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં આપી છે. એ સોગંદનામા મુજબ બાહુબલી છબી ધરાવતા સિંહ સામે કુલ 28 ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેમણે ચૂંટણી પંચ સમક્ષ નામાંકન દાખલ કર્યું હતું. તેમણે આ નામાંકન JDU તરફથી મોખામાની બેઠક માટે ટિકિટ મળ્યા બાદ કર્યું હતું.

JDUની સત્તાવાર ઉમેદવારોની યાદી બહાર આવે તે પહેલાં જ અનંત સિંહે ઉચ્ચ નેતૃત્વની મંજૂરી મેળવી નામાંકન દાખલ કરી દીધું હતું. સિંહની પત્ની નીલમ દેવી 2020ની વિધાનસભા ચૂંટણીમાં RJDની ટિકિટ પર મોકામાં બેઠક પરથી જીત્યા હતા. ત્યાર બાદમાં તેમણે રાજ્યની NDA સરકારને સમર્થન આપવાનું શરૂ કર્યું હતું. નીલમ દેવી પાસે કુલ 62.72 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે.મોકામાં બેઠક પર પ્રથમ તબક્કામાં છ નવેમ્બરે મતદાન થવાનું છે. નામાંકન સાથે દાખલ કરાયેલા સોગંદનામા મુજબ અનંત સિંહ પાસે 26.66 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 11.22 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. તેમની પત્ની નીલમ દેવી પાસે 13.07 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 49.65 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે.

સિંહ પાસે 15.61 લાખ રૂપિયા રોકડ છે, જ્યારે તેમની પત્ની પાસે 34.60 લાખ રૂપિયા રોકડ છે. સિંહને નામે અનેક બેંક ખાતાં છે અને આશરે 15 લાખ રૂપિયાના સોનાના દાગીના છે. જ્યારે નીલમ દેવી પાસે 76.61 લાખ રૂપિયાના સોનાના દાગીના છે.

સિંહ પાસે ત્રણ લક્ઝરી SUV કાર છે, જેની કુલ કિંમત 3.23 કરોડ રૂપિયા છે. જ્યારે તેમની પત્ની પાસે ત્રણ કાર છે, જેની કિંમત 77.62 લાખ રૂપિયા છે. તેમની સંપત્તિમાં ઘોડા અને ગાયો પણ સામેલ છે. અનંત સિંહને તેમના સમર્થકો છોટે સરકાર નામે ઓળખે છે. સિંહ 1990થી મોકામાં બેઠક પરથી પાંચ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે. તેમના પરિવારે છેલ્લા ત્રણ દાયકાથી આ બેઠક પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે.