અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસ પૂર્ણાહૂતિ તરફ છે. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે તેમજ સોમવતી અમાસ પણ છે. સોમવતી અમાસના સ્નાન અને દાનની સાથે પિતૃપૂજનનો પણ અનેરું મહત્વ રહેલુંં છે.
શ્રાવણ મહિનામાં દરેક શિવમંદિર હર હર ભોલેના નાદથી ગૂંજી રહ્યા છે. પરંતુ સોમવતી અમાસના વિશેષ માહાત્મ્યને કારણે ભક્તો જળાભિષેક, દુગ્ધાભિષેક કરી, બીલીપત્ર ચઢાવીને ભોળેનાથને રીઝવવા માટે વહેલી સવારથી જ શિવમંદિરોમાં પૂજા-અર્ચના, દર્શનાર્થે લાઇનો લગાવી રહ્યા છે. આ વર્ષે વર્ષો બાદ શ્રાવણ મહિનાની શરૂઆત અને અંત બંન્ને સોમવારથી થઈ રહ્યા છે. પાંચમાં સોમવારે સોમવતી અમાસ સાથે જ શ્રાવણ માસનું સમાપન થયું હોય તેવું છેલ્લે વર્ષ 2021માં બન્યું હતું. સોમવતી અમાસ નિમિત્તે સોમનાથમાં પણ વિશિષ્ટ આયોજન કરાયા છે. હજુ મંગળવારે પણ અમાસ છે. આ પછી હવે 7 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થશે જ્યારે 3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ છે. આમ, તહેવારોની હેલી જારી રહેશે.