હવે નોઇડામાં યુવકે લેમ્બોર્ગિની ફૂટપાથ પર ચઢાવી, બે શ્રમિકો ઈજાગ્રસ્ત!

ઉત્તર પ્રદેશ: નોઇડામાં રવિવારે (31 માર્ચ) એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. નોઇડા સેક્ટર 126માં સાંજે લેમ્બોર્ગિની કાર ડ્રાઇવરે ફૂટપાથ પર બેઠેલા બે શ્રમિકોને કચડી નાંખ્યા હતાં. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વળી, ઘટનાસ્થળે જ્યારે લોકોએ ડ્રાઇવરને રોક્યો અને પોલીસને બોલાવવાની વાત કરી તો જાણે તેને કોઈનો ડર જ ન હોય તેમ ખૂબ જ આરામથી લોકોને પૂછી રહ્યો છે કે, શું કોઈ મરી ગયું?

લેમ્બોર્ગિની કાર દ્વારા સર્જાયેલા અકસ્માત બાદ લોકોએ ડ્રાઇવરને ઘેરી લીધો હતો. જ્યારે લોકોએ કહ્યું, તને બહુ સ્ટંટબાજી કરવી છે? તો દીપક નામનો આરોપી કારની અંદરથી ખૂબ જ આરામથી બહાર આવ્યો ત્યારે લોકોએ પૂછ્યું તને ખબર છે કેટલાં લોકોના મોત થયા?  આ સાંભળીને આરોપી સામે લોકોને પૂછે છે કે, શું કોઈ મરી ગયું? મેં થોડી જ રેસ આપી હતી.

વીડિયો વાઈરલ થયો

આ અકસ્માતનો અમુક સેકન્ડનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, અકસ્માત બાદ કાર ડિવાઇડર પર ચઢી ગઈ છે અને ડ્રાઇવર અંદર જ બેઠો છે. બાદમાં એક વ્યક્તિ ગેટ ખોલાવીને ડ્રાઇવરને પૂછે છે કે, તને ખબર છે અકસ્માતમાં કેટલાં લોકો મરી ગયા? જેના જવાબમાં આરોપી પૂછે છે કે, શું કોઈ મરી ગયું? કારની બહારનો વ્યક્તિ ડ્રાઇવરને સ્ટંટ કરવાની વાત કહી તો, આરોપીએ રેસ માટે એક્સીલેટર વધારવાની વાતની કબૂલાત કરી હતી.

ટેસ્ટ ડ્રાઇવ લેતા સમયે થયો અકસ્માત

પોલીસનું કહેવું છે કે, દીપક ગાડી ખરીદ-વેચાણ માટે બ્રોકરનું કામ કરે છે. એક વ્યક્તિ માટે લેમ્બોર્ગિની ખરીદવાની હતી. જ્યારે આરોપી ટેસ્ટ ડ્રાઇવ કરતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, અચાનક ગાડી બેકાબૂ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, જે લેમ્બોર્ગિનીથી કાર અકસ્માત થયો છે, ભારતમાં તેની કિંમત 4 થી 9 કરોડ રૂપિયા છે. હાલ, કારની કિંમત અને તેનો માલિક કોણ છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.