અમદાવાદ: શહેરના સપ્તરંગ આર્ટ સ્ટુડિયો સાથે જોડાયેલા ક્રિનલ શાહ અને તેમના પરિવાર તેમજ વિદ્યાર્થીઓએ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (ઇન્ડિયા) દ્વારા સંચાલિત ડો. જીત મહેતા બાલશાળા ટ્રસ્ટની મુલાકાત લીધી.
ક્રિનલબેન અને તેમના વિદ્યાર્થીઓએ આ શાળામાં અભ્યાસ કરતાં બાળકો સાથે સમય પસાર કર્યો, તેમની સાથે પેઈન્ટિંગ બનાવ્યા, ગરબા કર્યા અને ઊજાણી કરતા બાળકોના મન પ્રસન્ન થઈ ગયા.
સામાન્ય બાળક કરતા મનોદિવ્યાંગ બાળકોની સારસંભાળ રાખવી અને તેમને શિક્ષણ આપવું ખૂબ કઠિન કાર્ય છે. ત્યારે ડો. જીત મહેતા બાલશાળા ટ્રસ્ટ આ કામ કરે છે. સાથે જ તેઓ આ બાળકો પગભર બને તે પ્રકારના પ્રયાસો પણ કરે છે. ડૉ. જીત મહેતા બાલશાળાના કો-ઓર્ડિનેટર સંગીતાબહેન પટેલે જણાવ્યું કે, ક્રિનલબહેન અને તેમના વિદ્યાર્થીઓએ બાળકો સાથે જે આર્ટ વર્ક કર્યું તેનાથી બાળકોને ખુબ જ મજા આવી.
ડૉ. જીત મહેતા બાલશાળા ટ્રસ્ટમાં બાળકોને ભણાવવાની સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટ, આઉટડોર સ્પોર્ટ્સ, ડાન્સ, સિંગિંગ, ડ્રોઈંગ, કલ્ચરલ એક્ટિવિટી, મ્યુઝિક, ફેસ્ટિવલ સેલિબ્રેશન, પ્લે થેરાપી, પિકનિક જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. તેવા સમયે ક્રિનલબહેન જેવાં લોકો જ્યારે આ બાળકોની વચ્ચે આવીને તેમની સાથે સમય પસાર કરે છે, અવનવી એક્ટિવિટિસ કરાવે છે ત્યારે ખરેખર તે દિવસ આ બાળકોના જીવનનો યાદગાર દિવસ બની જાય છે.