જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લાના મેંધરમાં રવિવારે એક ચૂંટણી રેલીમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા છરીના હુમલામાં ત્રણ નેશનલ કોન્ફરન્સ (NC) કાર્યકરો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એનસી પ્રમુખ ફારુક અબ્દુલ્લા મેંધરમાં અનંતનાગ-રાજૌરી લોકસભા સીટના ઉમેદવાર મિયાં અલ્તાફના સમર્થનમાં પાર્ટી દ્વારા આયોજિત રેલીમાં હાજર હતા. રેલી કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહી.
બે જૂથો વચ્ચે અથડામણ
અધિકારીઓએ જણાવ્યું કે રેલી દરમિયાન કોઈ મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝપાઝપીનો લાભ લઈને હુમલાખોરો નાસી છૂટવામાં સફળ થયા હતા. તેમણે કહ્યું કે પોલીસે (પૂંચ પોલીસ) આ ઘટનાના સંબંધમાં કેસ નોંધ્યો છે અને ગુનેગારોને પકડવાનો પ્રયાસ કરી રહી છે. વધુ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે હરનીના રહેવાસી સોહેલ અહેમદ અને યાસિર અહેમદ અને કસ્બાલારી ગામના મોહમ્મદ ઈમરાનને છરીથી ઈજા થઈ હતી અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.