કેસર કેરીનું ગોંડલના APMC ફ્રૂટ માર્કેટમાં આગમન

અમદાવાદઃ કેસર કેરીની પહેલી હરાજી ગોંડલની APMC ફ્રૂટ માર્કેટમાં થઈ છે અને તેની ઉજવણી પણ થઈ છે. શરૂઆતમાં તો કેરીનો ભાવ આસમાને જ છે.ગોંડલ APMC ફ્રૂટ માર્કેટિંગ જૂના યાર્ડમાં ગીર કોઠારિયા અને વીજપરી ગામના ખેડૂતોની ગીરની કેસર કેરીના 10 કિલોનાં 22 બોક્સની આવક છે. યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી, જેમાં 10 કિલોના એક બોક્સનો ઊંચો ભાવ રૂ. 3100 તથા નીચો ભાવ રૂ. 2500 બોલાયો હતો. કેસર કેરીના ભાવ સારો મળતા બાગાયતી ખેતી કરતા અને એક વર્ષ આંબાનું જતન કરી કેરીઓની આવક મેળવતા ખેડૂતોને આનંદ થયો હતો.

આ સાથે બજારમાં બે-ત્રણ દિવસથી યાર્ડમાં રત્નાગિરીની હાફુસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગિરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 5500 બોલાયો છે. માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન જોવા મળ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નિતલી તથા ગીર ગઢડા ગામમાં આવેલા આંબાના બગીચામા હાલ ઉનાળાની સીઝનમાં કેસર કેરીનુ ઉત્પાદન થયું છે. ગીર ગઢડાના નિતલી અને ગીર કોઠારિયા ગામના તેમ જ સાવરકુંડલા ગામના વીજપરી ગામના ખેડૂત કેસર કેરીના લગભગ 20 બોક્સ લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે આવી પહોચ્યા હતા. ભાવનગરના ખેડૂતો પણ ગોંડલ APMCમાં આવ્યા હતા.