બેંગલુરુઃ તમિળ અને કન્નડ ટીવીની અભિનેત્રી નંદિની સીએમે બેંગલુરુમાં પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી છે. પોલીસને એક દુઃખદ સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમની ડાયરીમાં પરિવારના દબાણને કારણે અભિનય છોડીને સરકારી નોકરી સ્વીકારવા અંગેના તણાવના સંકેતો મળ્યા છે.
નંદિનીના પિતાનું નિધન વર્ષ 2021માં થયું હતું. પિતાના નિધન બાદ 2023માં તેમને સહાનુભૂતિને આધારે તાલુકા કચેરીમાં સરકારી નોકરીની ઓફર આપવામાં આવી હતી, પરંતુ પરિવારની ઇચ્છા હોવા છતાં નંદિનીએ આ નોકરી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પોતાના અભિનયનાં સપનાંઓને આગળ વધારવાનો નિર્ણય લીધો. ઓગસ્ટ, 2025માં તે ‘ઇન્સ્ટા લિવિંગ પીજી’માં રહેવા માટે શિફ્ટ થઈ હતી
પોલીસ રિપોર્ટ અનુસાર 28 ડિસેમ્બર, 2025ની રાત્રે લગભગ 11:23 વાગ્યે નંદિનીએ રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો હતો. જ્યારે તે ફોન કોલ્સનો જવાબ આપી નહોતી રહી, ત્યારે પીજી મેનેજરની મદદથી દરવાજો તોડવામાં આવ્યો. અંદર તેઓ બારીની ગ્રિલ સાથે દુપટ્ટાની મદદથી લટકેલી હાલતમાં મળી આવી હતી.
તમિળ ટીવી ઇન્ડસ્ટ્રીમાં નંદિનીને તેની સિરિયલ ગૌરીમાં ભજવેલા રોલ માટે ઓળખવામાં આવતી હતી. આ સિરિયલમાં તેના પાત્રે ઝેર પી લીધું હતું. આ ઉપરાંત નંદિનીએ કન્નડ ટીવી સીરિયલ્સ જેમ કે “જીવા હૂવાગિડે, મધુમાગલુ, “નેનેડે ના* અને સંઘર્ષમાં પણ કામ કર્યું હતું.
પોલીસ તપાસમાં શું સામે આવ્યું
પોલીસે સુસાઇડ નોટને મુખ્ય પુરાવા તરીકે માન્યા છે અને તેની તપાસ ચાલી રહી છે. કેંગેરી પોલીસ સ્ટેશનમાં આ મામલે BNSS એક્ટ, 2023ની કલમ 194 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર, નંદિનીનું મૃત્યુ 28 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. પોલીસને આ ઘટનાની જાણ સવારે લગભગ 9:15 વાગ્યે કરવામાં આવી હતી.
નંદિનીનું શિક્ષણ
નંદિનીએ વર્ષ 2018માં બલ્લારીમાંથી પોતાની PUC (પ્રી-યુનિવર્સિટી કોર્સ) પૂર્ણ કરી હતી. ત્યાર બાદ તેણે ચિત્તકબનાવારા સ્થિત આરઆર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ બાદમાં તે અધવચ્ચે છોડ્યો હતો. નંદિનીના નિધનને લઈને તેમના અનેક ચાહકો અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ શોક વ્યક્ત કર્યો છે.


