જરૂરતમંદ ભૂખ્યા લોકો માટે નજીવી કિંમતે ભરપેટ ભોજન

અમદાવાદ: ગાંધીનગર હાલ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે આશાનું કેન્દ્ર બની ગયું છે. વિદ્યાર્થીઓ અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા હોય છે. જેમાંથી કેટલાંય મધ્યમવર્ગી વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોય છે. આવા લોકો માટે ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ મોટી રાહત બનીને સામે આવ્યું છે. પાટનગર ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને નિયમિતપણે ગરમ અને પૌષ્ટિક ભોજન સેવા માત્ર વીસ રૂપિયાના નજીવા દરે મળશે. સમાજ સેવી સંસ્થા ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા સેકટર-૨૧માં પેટ્રોલ પંપ નજીક લાઇબ્રેરી સામેના મેદાનમાં આ ‘જીવન પ્રસાદ ઘર’ ભોજન સેવાનો ૧લી એપ્રિલથી પ્રારંભ થયો છે. આ ભોજન પ્રસાદ સેવા ગાંધીનગરમાં સેક્ટર-૬માં અપના બજાર નજીક સપ્ટેમ્બર-૨૦૨૩માં સૌ પ્રથમ વાર શરૂ થઈ હતી. સેક્ટર-૬માં મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે હવે સેક્ટર-૨૧માં લાઇબ્રેરીની સામે પણ આ ભોજન પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે.   

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગાંધીનગરમાં આવીને વસેલા રાજ્યના અન્ય જિલ્લાઓના યુવાઓ લાઇબ્રેરીમાં વાંચન સાથે નજીવા દરે આ ભોજન સેવાનો લાભ પણ મેળવી શકે અને તેમનો સમય બચે તે હેતુસર ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા આ ભોજન સેવા શરૂ થઈ છે. અમદાવાદ શહેરના ગોતા, સુભાષબ્રીજ, દૂધેશ્વર અને ઇન્કમટેક્ષ ખાતે ‘જીવન પ્રસાદ ઘર’ છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકો આ ભોજન પ્રસાદ સેવાનો લાભ મેળવે છે અને ભોજન તૈયાર કરવામાં ૩૦થી વધુ બહેનોને રોજગારી મળે છે. આ ભોજન પ્રસાદ સેવાની ખાસ વિશેષતા એ છે કે, અહિં ભોજન લેવા આવનાર વ્યક્તિને પાર્સલ સેવા પણ આપવામાં આવે છે.બધાં જ સેન્ટર પર સવારે સાડા અગિયાર વાગ્યાથી લઈને બપોરે દોઢ વાગ્યા સુધી જમવાનું આપવામાં આવે છે. શરૂઆત સો લોકાના જમાવાથી કરવામાં આવે છે અને વધુમાં વધુ 600 લોકોને એક ટાઈમ એક સ્થળ પર જમાડવામાં આવે છે. ભોજનના મેનુમાં દરરોજ અલગ-અલગ વેરાયટી આપવામાં આવે છે. બધું જ ભોજન ઘર જેવું જ શુદ્ધ અને સાત્વિક હોય છે. જેમાં સોમવારે દાળ-ભાત, શાક-રોટલી હોય તો મંગળવારે કઢી-ખીચડી હોય. બધુવારે મગ-ભાત-રોટલી હોય તો શુક્રવારે ચણા-ભાત-રોટલી હોય. શનિવારે દાળ-બાટી જેવી વેરાયટી પીરસવામાં આવે છે. જેથી કરીને જમનારને પણ રોજ જમવાનું ભાવે અને ઘર જેવો જ અનુભવ થાય. જો કે કોઈ જરૂરિયાતવાળું ભૂખ્યું ન રહી જાય અને જેને જરૂર નથી એવાં લોકો આ સેવાનો લાભ ન લઈ જાય તે માટે એક વ્યક્તિને ચારથી વધારે વ્યક્તિનું ભોજન આપવામાં આવતું નથી. જો કોઈ વધારે વ્યક્તિ માટે પાર્સલ લેવા માટે આવે તો તેને પણ પૂછીને જ ભોજન આપવામાં આવે છે.‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ ના ટ્રસ્ટી નિલેશ જાનીએ આ સેવાનો લાભ લેવા જરૂરતમંદ લોકોને અપીલ કરી છે તેમનું કહેવું છે કે આ સેવા કોઈ વર્ગ કે વ્યક્તિ માટે ડેડિકેટેડ નથી. દરેક જરૂરતમંદ વ્યક્તિ આ પ્રસાદનો લાભ લઈ શકે છે. કોઈને એવું થાય કે વીસ રૂપિયામાં તો કેવું જમવાનું મળતું હશે? પરંતુ નીલેશભાઈનું કહેવુ છે કે, “અમે રોજ ઘર જેવું જ શુદ્ધ અને સ્વાદિષ્ઠ ભોજન આપીએ છીએ. જેથી જમનારાને ઘર જેવો જ અનુભવ થાય.” આઠ પ્રકારની તો ખીચડી અલગ-અલગ પ્રકારની તેઓ બનાવે છે. જેમાં ડ્રાયફ્રુટ્સ ખીચડીથી લઈને વેજીટેબલ ખીચડી સુધી હોય છે. નીલેશભાઈનું કહેવું છે કે તેઓ કોઈને પણ મફતમાં જમવાનું આપતા નથી. કારણ કે જો મફતમાં આપવામાં આવે તો તેને ભોજનની વેલ્યુ રહેતી નથી. પ્રસાદને આદરભાવથી જમે અને કોઈપણ જરૂરિયાતવાળી વ્યક્તિ ભૂખી ન રહે તે માટે તેઓએ આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

અત્યારે તો ‘જીવન પ્રસાદ ઘર’ અમદાવાદમાં ચાર અને ગાંધીનગરમાં બે સ્થળે ચાલે છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટને વધુ લોકો સુધી લઈ જવાના પણ તેમના પ્રયત્નો છે. ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’માં સેવા આપવા ઇચ્છુક સ્વયં સેવક, દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવાનો અનુરોધ પણ નિલેશભાઈએ કર્યો છે.