રાજકોટ: લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચૂંટણી જંગ રસપ્રદ બની રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો તેમના બાકી રહેલા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બનાવી રહ્યા છે. કોંગ્રેસે ગુરૂવારે ગુજરાતના જે ઉમેદવારો જાહેર કર્યા તેમાં અમરેલી બેઠકે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતના રાજકારણની પ્રથમ એવી ઘટના બની છે કે એક જ બેઠક ઉપર એક પક્ષે પિતા, માતા અને હવે પુત્રીને ટિકિટ આપી હોય.
અમરેલી બેઠક માટે કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી છે. અગાઉ લોકસભાની આ બેઠક પર વર્ષ 2004માં વિરજીભાઈ ઠુમ્મર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. બાદમાં 2009માં આ બેઠક પર કોંગ્રેસે વિરજીભાઈના પત્ની નીલાબેનને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. હવે 20024માં વિરજીભાઈના દીકરી જેનીબેન ઠુમ્મરને કોંગ્રેસે ટિકિટ આપી છે.
લેઉવા પટેલનું વર્ચસ્વ ધરાવતી આ બેઠક ઉપર કોંગ્રેસે ફરી એક પાટીદાર મહિલાને મેદાનમાં ઉતાર્યા છે. જેનીબેન માત્ર 31 વર્ષની વયે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા. તેઓ હાલ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ છે અને હવે 39 વર્ષની ઉમ્મરે તેમને લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ મળી છે.
ગુજરાતના રાજકારણમાં પિતા બાદ પુત્ર અથવા પત્નીને ટિકિટ મળી હોય તેવા દાખલા છે. અમરસિંહ ચૌધરીના પરિવારમાં આ રીતે ટિકિટ મળી છે. સગા ભાઈઓને પણ ટિકિટ મળી છે. હીરાભાઈ અને પરસોતમ સોલંકીનું ઉદાહરણ તાજુ છે. પરંતુ પિતા, માતા અને પુત્રીને એક જ પાર્ટીએ એક જ બેઠક ઉપર ટિકિટ આપી હોય તેવું ગુજરાતમાં ભાગ્યેજ બન્યું હશે. અમરેલી લોકસભામાં હજુ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી. નારણ કાછડીયા ત્રણ ટર્મથી ચૂંટાયા છે. ભાજપ હવે જેની બેન સામે કોને ટિકિટ આપે છે તે જોવાનું રહ્યું.
ટિકિટ મળ્યા બાદ જેનીબેન ઠુમ્મરે એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે કહ્યું છે કે, “૩૧ વર્ષની ઉંમરે જીલ્લા પંચાયનાં પ્રમુખ તરીકે મને બેસાડી અને ૩૯મા વર્ષે લોકસભાની ટિકિટ મળી એટલે અમરેલીએ તો મને જે આપી શકે એ આપી દીધું જ છે. મારે કઇ લેવાનું રહેતું જ નથી. અમરેલીના ઝંખતા વિકાસનું નિમિત્ત બની મારે હવે મારી આ જન્મભૂમિની માટી અને માનવીઓના કામ કરી જિલ્લાના વિકાસના કામ કેમ થાય એ સાબિત કરવાની ફરજ બજાવવાની છે. આપના વિશ્વાસમાં પોઝિટિવ એટીટ્યુડ સાથે અમરેલીની (દીકરી-બેન) હું ઉત્તીર્ણ થઈ બતાવીશ. અમરેલીના દરેક વર્ગનો મારા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રચાર રૂપી સહકાર ઈચ્છું છું.”
દેવેન્દ્ર જાની, રાજકોટ