જંતર-મંતર હવે સત્તાવાર પ્રદર્શન સ્થળ નહીં: નવી ગાઇડલાઇન્સ જાહેર

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ધરણાં-પ્રદર્શનને લઈને નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. નવા આદેશ હેઠળ જંતર-મંતરને સત્તાવાર પ્રદર્શન સ્થળની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. હવે દિલ્હીમાં રામલીલા મેદાન, બુરાડી મેદાન અને પૂર્વ દિલ્હીનું સીબીડ ગ્રાઉન્ડ પ્રદર્શન માટેનાં નિર્ધારિત સ્થળો રહેશે. ગૃહ મંત્રાલયની સમિતિની ભલામણોને આધારે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસે સ્ટેન્ડિંગ ઓર્ડર નંબર L&O/48/2026 હેઠળ પ્રદર્શનને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ગૃહ મંત્રાલયની સમિતિની ભલામણોને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ કમિશનર અનુરાગકુમારે 11 ઓક્ટોબર, 2026એ જાહેર કરેલા નવા સ્થાયી આદેશ અનુસાર હવે જંતર-મંતર પર કોઈ પણ પ્રકારના પ્રદર્શનની મંજૂરી આપવામાં આવશે નહીં. નોંધનીય છે કે જંતર-મંતર પહેલાં દિલ્હીમાં બોટ ક્લબ સત્તાવાર ધરણાં સ્થળ હતું. ત્યાર બાદ બોટ ક્લબને હટાવીને જંતર-મંતરને સત્તાવાર પ્રદર્શન સ્થળ બનાવવામાં આવ્યું હતું.

પ્રદર્શન માટે ત્રણ નવાં સ્થળો નક્કી

નવા આદેશ હેઠળ રામલીલા મેદાન, બુરાડી મેદાન અને પૂર્વ દિલ્હીના સીબીડ ગ્રાઉન્ડને પ્રદર્શન સ્થળ તરીકે નક્કી કરવામાં આવ્યાં છે. આ સ્થળોએ પ્રદર્શન યોજવા માટેની માનક સંચાલન પ્રક્રિયા (SOP) અને વિગતવાર નિયમો અલગથી જાહેર કરવામાં આવશે.

જૂના આદેશમાં ફેરફાર કરવામાં આવ્યો

દિલ્હી પોલીસનો આ નવો આદેશ 28 એપ્રિલ, 2022એ જાહેર કરવામાં આવેલા જૂના સ્ટેન્ડિંગ ઓર્ડરમાં આંશિક ફેરફાર કરે છે. નવી માર્ગદર્શિકા હેઠળ રાજધાનીમાં ધરણાં-પ્રદર્શન માટે નક્કી કરાયેલાં સ્થળો અને તેમની સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જંતર-મંતર લાંબા સમયથી દિલ્હીમાં વિરોધ-પ્રદર્શનોનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. જોકે નવા આદેશ બાદ પ્રદર્શનકારીઓએ નિર્ધારિત નવાં સ્થળોએ જ પ્રદર્શન કરવું પડશે.