નવી દિલ્હીઃ તહેવારોની સીઝનની સેલના પ્રથમ બે દિવસમાં ઈ-કોમર્સ કંપનીઓએ આશરે રૂ. 24,000 કરોડની ચીજવસ્તુઓનું વેચાણ કર્યું છે. ઓર્ડરની સંખ્યામાં જોરદાર વધારો થવાને કારણે આ વેચાણ નોંધાયું હતું. વેચાણના મૂલ્યની દૃષ્ટિએ મોબાઇલ ફોનનો હિસ્સો સૌથી વધુ રહ્યો હતો,એમ અહેવાલ કહે છે.
કન્સલ્ટિંગ કંપનીના અંદાજ મુજબ ગ્રાહકોએ એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો અને એજિયો સહિતના વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ પર કુલ મળીને આશરે 8થી 9 કરોડ ઓર્ડર આપ્યા હતા. રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સના એસોસિયેટ પાર્ટનર નિખિલ દલાલે જણાવ્યું હતું કે શરૂઆતના બે દિવસના આંકડા દર્શાવે છે કે ભારતમાં તહેવારો દરમિયાન ઓનલાઇન ખરીદીનો વ્યાપ સતત વધી રહ્યો છે.
ખરીદીમાં વધારાનું કારણ શું?
ખરીદીમાં થયેલા આ વધારામાં ઓર્ડરની સંખ્યાનો મુખ્ય ફાળો રહ્યો છે. ગ્રાહકો માત્ર મોબાઇલ ફોન સુધી મર્યાદિત ન રહેતાં ફેશન, ઇલેક્ટ્રોનિક્સ અને ઘરવપરાશનાં ઉપકરણો પર પણ મોટા પ્રમાણમાં ખર્ચ કરી રહ્યા છે. તેમના જણાવ્યાનુસાર સસ્તાં અને પોસાય તેવાં ફેશન ઉત્પાદનોની માગ ખાસ જોવા મળી હતી. ટિયર-2 અને નાનાં શહેરોના ગ્રાહકોએ પોસાય તેવી કિંમતે તહેવારો માટે કપડાંની ખરીદી કરી હતી.
રૂ. 24,000 કરોડના વેપાર
શરૂઆતના બે દિવસમાં કુલ વેપાર મૂલ્ય (જીએમવી) 2.5 અબજ ડોલર એટલે કે આશરે રૂ. 24,200 કરોડથી વધુ રહ્યું હતું. અત્યાર સુધીમાં આશરે 6થી 6.5 કરોડ ખરીદદારોએ આ સેલમાં ભાગ લીધો છે. કંપનીના જણાવ્યાનુસાર, જીએમવીમાં થયેલો આ વધારો સામાન્ય દિવસોમાં નોંધાતાં સરેરાશ દૈનિક વેપાર કરતાં લગભગ છ ગણો વધારે હતો. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ વેચાણ વધારવા માટે પોતાની ક્વિક કોમર્સ સેવાઓનો ઉપયોગ કરી રહી છે અને તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સેવાઓમાં સામાન્ય દિવસોની સરખામણીમાં ચારથી પાંચ ગણું વધુ જીએમવી નોંધાયું હતું. એક અંદાજ મુજબ વેચાણના મૂલ્યની દૃષ્ટિએ મોબાઇલ ફોન સૌથી મોટી શ્રેણી બની રહી હતી. જોકે મોટાં ઘરેલુ ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સની વેચાણ વૃદ્ધિ બજારના સરેરાશ વૃદ્ધિદર કરતાં વધુ ઝડપી રહી હતી.

તહેવારોમાં પ્રવાસ બુકિંગમાં 50 ટકાનો વધારો
આ વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન તહેવારોની સીઝનમાં પ્રવાસ માટેની બુકિંગમાં વાર્ષિક ધોરણે આશરે 50 ટકાનો વધારો નોંધાયો છે. અહેવાલ મુજબ ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન દર ચાર પ્રવાસીઓમાંથી આશરે એક પ્રવાસીએ એકથી વધુ તહેવારલક્ષી પ્રવાસ કર્યા હતા. 2026ની તહેવારોની સીઝન માટે અત્યાર સુધીમાં હમ્પી, ગોકર્ણ, વર્કલા, ઋષિકેશ અને જયપુર સૌથી વધુ બુકિંગ ધરાવતાં સ્થળો તરીકે ઊભરી આવ્યાં છે. સૌથી ઝડપથી લોકપ્રિય બની રહેલાં ટોચનાં પાંચ સ્થળોમાંથી ત્રણ સ્થળો કિન્નૌર જિલ્લામાં આવેલાં છે.




