મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ એ ગુજરાતની વૈશ્વિક ઓળખ છે. યુનેસ્કો (UNESCO) દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા (Intangible Cultural Heritage) તરીકે માન્યતા મળ્યા બાદ આ ઉત્સવનું ગૌરવ વિશ્વભરમાં વધ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરાયેલા ‘વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ’ની ઉજવણી આ વર્ષે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે અનોખા અંદાજમાં થઈ રહી છે.


આ વર્ષે પરંપરાગત સ્ટેજને બદલે એમ્ફિથિયેટર જેવો માહોલ ઊભો કરાયો છે, જ્યાં નીચે મેદાનમાં કલાકારોની પ્રસ્તુતિ અને પ્રેક્ષકો માટે સ્ટેડિયમ શૈલીની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


ફરતી ફેન-લાઇટ્સ અને લેઝર શો આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બન્યા છે. પ્રથમ નોરતે મોટી સંખ્યામાં કલાકારોએ નવદુર્ગાના સ્વરૂપો, પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા અને લોકસંસ્કૃતિની ભવ્ય ઝાંખી રજૂ કરી હતી.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો તથા દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂ થયેલા આ મહોત્સવમાં ગરબા ઉપરાંત કિડ્સ સિટી, હસ્તકલા પ્રદર્શન અને સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ્સ પણ ઊભા કરાયા છે. ઓક્ટોબર દરમિયાન નવરાત્રિપ્રેમીઓ આ ભવ્ય ઉત્સવનો ભરપૂર આનંદ માણી શકશે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




