નવી દિલ્હીઃ પાકિસ્તાનની પોલ તેની પોતાની હરકતોથી જ ખૂલી રહી છે. પાકિસ્તાન ભારત પર કેટલું નિર્ભર છે તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે. હકીકતમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે સત્તાવાર રીતે સીધો વેપાર સંપૂર્ણપણે બંધ છે. તેમ છતાં, એક અહેવાલમાં ભારતમાંથી પાકિસ્તાનમાં થતી આયાત અંગે મોટો ખુલાસો થયો છે.
પાકિસ્તાનની કેન્દ્રીય બેંકના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાંથી પાકિસ્તાનમાં થતી આયાતમાં 69 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને ભારતમાંથી આશરે 5876 કરોડ રૂપિયાનો સામાન આયાત કર્યો છે. અહેવાલમાં આ રકમ 61.74 મિલિયન ડૉલર દર્શાવવામાં આવી છે. બીજી તરફ, પાકિસ્તાને ભારતને એક પણ માલની નિકાસ કરી નથી. આ ખુલાસા બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે બંને દેશો વચ્ચે વેપારી સંબંધો ઠપ છે, ત્યારે ભારતીય સામાન આખરે પાકિસ્તાન પહોંચી કેવી રીતે રહ્યો છે?
વેપાર બંધ, સરહદ પર તણાવ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપારી સંબંધો લાંબા સમયથી તણાવપૂર્ણ રહ્યા છે. વર્ષ 2019માં પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પાસેથી ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. ત્યાર બાદ વર્ષ 2025માં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને તેના પછીની સૈન્ય કાર્યવાહી બાદ ભારતે વાઘા-અટારી સરહદ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. એ સાથે જ પાકિસ્તાનથી આવતા તમામ માલસામાન પર પ્રતિબંધ મૂક્યો હતો.

ત્રીજા દેશો મારફતે ભારતીય માલની હેરફેર
નિષ્ણાતો અને થિંક ટેન્ક ‘ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ’ (GTRI) અનુસાર પાકિસ્તાનમાં ભારતીય ઉત્પાદનોની ખાસ્સી માગ છે. તેમાં મુખ્યત્વે દવાઓ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વપરાતો કાચો માલ, રસાયણો, પ્લાસ્ટિક અને કૃષિ સાધનોનો સમાવેશ થાય છે. આ માગને પહોંચી વળવા માટે ‘ગ્રે-ઝોન સ્ટ્રેટેજી’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે. આ પદ્ધતિમાં ત્રીજા દેશોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે. ભારતમાંથી નીકળતો માલ સીધો પાકિસ્તાન મોકલવાને બદલે દુબઈ, સિંગાપોર અથવા શ્રીલંકા જેવા દેશોનાં બંદરો પર મોકલવામાં આવે છે.
દસ્તાવેજો અને લેબલમાં ફેરફાર
આ ટ્રાન્ઝિટ હબ પર માલસામાનને બોન્ડેડ વેરહાઉસમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ દસ્તાવેજો અને પેકેજિંગ પરના લેબલમાં ફેરફાર કરીને ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ એટલે કે માલના મૂળ દેશ તરીકે ભારતને બદલે યુએઈ અથવા અન્ય દેશનું નામ દર્શાવવામાં આવે છે.






