પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે બનાસ ડેરી દ્વારા ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC)નું નિર્માણ કરવામાં આવ્યું છે. ૧૨૭ એકર જમીનમાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે આ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ અદ્યતન કેન્દ્રનું આગામી ૩૦મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના માર્ગદર્શન અને કેન્દ્ર સરકારના ‘રાષ્ટ્રીય ગોકુળ મિશન’ હેઠળ આ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સેન્ટર દેશી ગૌવંશ સંવર્ધન અને શ્વેત ક્રાંતિના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નવી દિશા દર્શાવશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ કેન્દ્રમાં પશુઓની ઓલાદ સુધારવા માટે OPU-IVF (ટેસ્ટટ્યૂબ બેબી) અને ગર્ભ પ્રત્યારોપણ જેવી આધુનિક વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેકનોલોજીની મદદથી શ્રેષ્ઠ ગાયમાંથી એક જ વર્ષમાં અનેક વાછરડાં મેળવી શકાશે. અહીં પ્રતિવર્ષ ૨૫,૦૦૦ ઉત્તમ ગર્ભ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે.
આ કેન્દ્ર ખાતે કાંકરેજ, ગીર, સાહીવાલ અને થારપારકર જેવી શ્રેષ્ઠ દેશી ગાયો તેમજ મહેસાણી, બન્ની, જાફરાબાદી અને મુર્રાહ જેવી ઉત્તમ ભેંસોની ઓલાદ સુધારવામાં આવશે. ‘ઓછાં પશુ, વધુ ગુણવત્તા અને વધુ દૂધ’ના વિચાર સાથે શરૂ થનારું આ સેન્ટર પશુપાલકોનો દૂધ ઉત્પાદન ખર્ચ ઘટાડશે, દૂધમાં ફેટનું પ્રમાણ વધારશે અને ગામડાંના નાના પશુપાલકો તેમજ પશુપાલન ક્ષેત્રે જોડાયેલી ૭૦ ટકા ગ્રામીણ મહિલાઓની આવકમાં નોંધપાત્ર વધારો કરશે.






