નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કાના મતદાન માટે 19 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.ભાજપે જાહેર કરેલી યાદીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પૂર્વ સ્પીકર ડૉ. નિર્મલ સિંહને ટિકિટ આપી નથી. નિર્મલ સિંહ 2014માં બિલવાર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તો બીજી તરફ ભાજપે કાશ્મીર ખીણની બે બેઠકો પરથી કાશ્મીરી પંડિતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વીર સરાફને શાંગાસ-અનંતનાગ પૂર્વથી અને અશોક ભટ્ટને હબ્બકાદલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે નવી દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. બેઠકમાં ચૂંટણીની રણનીતિ, મુદ્દાઓ, ઉમેદવારોના નામ અને રાજ્યમાં પીએમ મોદીની સંભવિત રેલીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સંવેદનશીલ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થવાનુ છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે આવશે. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર, બીજા તબક્કામાં 26 બેઠકો અને ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થવાનું છે.