જામનગર: ભારતીય સાહસિક રમત-જગતની એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે, નચિકેતા ગુપ્તા, જે જામનગર સિંચાઈ વિભાગમાં મદદનિશ ઈજનેર (ક્લાસ–૨) તરીકે કાર્યરત છે, પોતાની ટીમ સાથે ઝંસ્કાર,લદાખ ક્ષેત્રમાં એક પર્વતારોહણ અભિયાન દરમિયાન 6,248 મીટર ઊંચાઈના અજાણ્યા શિખર પર સફળતાપૂર્વક આરોહણ કર્યું કે જે શિખર આજ સુધી કોઈએ આરોહણ કર્યું નથી.અનામી પર્વત પર પ્રથમ વખત સર કરનાર ટીમ દ્વારા તેનું નામાંકરણ કરાતુ હોય છે તે પ્રથાને આગળ ધપાવતા આ ટીમે તેને શ્રદ્ધાપૂર્વક “માઉન્ટ તારા” નામ આપ્યું છે, જે હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં શક્તિની દેવીનું પ્રતીક છે. આ નામ આસ્થા, આધ્યાત્મિક શક્તિ અને દિવ્ય ઊર્જાનું પ્રતિબિંબ છે.
આ અભિયાન કોઈ પણ બાહ્ય સહાયતા વિના – કોઈ Guide કે Cookની સહાયતા વિના – છ સભ્યોની ટીમ દ્વારા સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે પૂર્ણ થયું. ટીમે સતત 13 દિવસ સુધી હિમવર્ષામાં ૫૫૦૦ મીટરે ટકી રહેવું પડ્યું, અતિશય ઠંડી, ઊભા ખડકાળ ઢાળો, અને શિખર સર કરવાના દિવસે પણ ૫ થી 6 ફૂટ જેટલી બરફની પરિસ્થિતિનો સામનો કર્યો. આ કઠોર પરિસ્થિતિઓને કારણે ત્રણ સભ્યોને પાછા ફરવું પડ્યું, જ્યારે બાકીના સભ્યોએ અદ્દભૂત હિંમત અને સાહસ બતાવી શિખર સર કર્યું. આવા અજાણ્યા શિખરો માટેની આરોહણ પહેલાંની તૈયારી, વિગતવાર પ્લાનિંગ અને શિખર અંગેનું રિસર્ચ અભિયાનને સફળ બનાવવામાં અનિવાર્ય બની રહે છે.
આ અભિયાન સાબિત કરે છે કે ભારતીય પર્વતારોહકોમાં આજ સુધી ચડાયેલ નથી તેવા હિમાલયના શિખરો સર કરવા માટેનું સાહસ, તકનીકી કુશળતા અને અડગ ઈચ્છાશક્તિ મોજુદ છે. અસાધારણ ટીમવર્ક અને સંકલ્પ સાથે, નચિકેતા અને તેમની ટીમે કઠિન ભૌગોલિક અને કપરી આબોહવાની પરિસ્થિતિઓને પાર પાડીને આધુનિક ભારતીય પર્વતારોહણમાં એક વિશ્વસ્તરીય પ્રથમ સિદ્ધિ હાંસલ કરી છે. કોલકાતાના અરિત્રા ચેટર્જીએ આ ટીમની આગેવાની કરી હતી.
આ ઐતિહાસિક સિદ્ધિ ભારતના સાહસિક રમતોના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરે છે. તેમજ સમગ્ર ગુજરાત અને જામનગર માટે વિશેષ ગૌરવનો વિષય બની રહે છે, જે નવી પેઢીને પ્રેરણા પૂરી પડે છે કે “જ્યાં માર્ગ નથી ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ”. માઉન્ટ તારાનું સફળ આરોહણ માનવ સહનશક્તિ, એકતા અને દુનિયાના સૌથી પડકારજનક આબોહવાની મર્યાદાઓને પડકારવાની લાગણીનું પ્રતિક છે.”
(પાર્થ સુખપરિયા – જામનગર)
